પાકિસ્તાનના સ્કાર્દુ જિલ્લાના રોન્દુ તાલુકા પાસે એક પેસેન્જર બસ સિંધુ નદીમાં ખાબકી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં બસમાં સવાર 26 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. બસ રાવલપીંડિથી સ્કાર્દુ જઇ રહી હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.
મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી 8 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. 20 લોકોના ઘટનાસ્થળે અને 6 લોકોનાં હોસ્પિટલમાં મોત થયા છે. ગિલગિટ બાલ્ટીસ્તાનના ગર્વનર જલાલ હુસેને ઓથોરિટીને શક્ય તમામ મદદ પહોંચાડવા આદેશ કર્યા છે.
આ પહેલા સપ્ટેમ્બરમાં, પાકિસ્તાન સૈન્યના 10 જવાનો સહિત ઓછામાં ઓછા 27 લોકો પેસેન્જર બસ અકસ્માતમાં મોત નીપજ્યાં હતા. પેસેન્જર બસ બાબુસર પાસના ગિરગીટ બાલ્ટિસ્તાન સાથે જોડતા બાબુસર પાસના પર્વત પરથી ધસી ગઈ હતી. પાકિસ્તાનમાં ખરાબ રસ્તાઓને પગલે વારંવાર અકસ્માતો ઘટે છે.
પાકિસ્તાનમાં, ખાસ કરીને પર્વતીય ઉત્તરમાં, બેદરકારીથી વાહન ચલાવવા, નબળા રસ્તાઓ અને પૂરતા માળખાગત સુવિધાના અભાવને કારણે આવા અકસ્માતો સામાન્ય છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં દર વર્ષે લગભગ 9000 માર્ગ અકસ્માતો નોંધાય છે, જેમાં લગભગ 4,000 લોકો માર્યા જાય છે.