(ANI Photo)

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ જાહેરાત કરી છે કે, તે ભવિષ્યમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડ્સ (ડબલ્યુસીએલ) માં ભાગ લેવા સામે પાકિસ્તાની ખેલાડીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા મુજબ ઈન્ડિયા લિજેન્ડ્સે પાકિસ્તાન સામેની સેમિફાઇનલ મેચમાંથી હટી જવાના નિર્ણય લીધા પછી ડબ્લ્યુસીએલના નિવેદનો અને કાર્યોમાં સ્પષ્ટ રીતે પક્ષપાત દેખાયો હતો.

પીસીબીએ જણાવ્યું હતું કે, મોહસીન નકવીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી 79મી બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG) ની બેઠક દરમિયાન ડબ્લ્યુસીએલના અભિગમ વિષે ગંભીર નિરાશા જાગી હતી. જાણી જોઈને ઇરાદાપૂર્વક મેચમાં નહીં રમનારી ટીમને આપવામાં આવેલા મુદ્દાઓ તથા ભારત અને પાકિસ્તાન વચ્ચેની લેજેન્ડ્સ મેચ રદ કરવા અંગેની પ્રેસ રીલીઝ બંને પક્ષપાત અને દંભથી ભરેલી હતી.

પીસીબીએ કહ્યું હતું કે, ‘ પ્રેસ રિલીઝમાં ‘રમત દ્વારા શાંતિ’ વિશે જે રીતે વાત કરાઈ હતી, તેમાં બેવડા ધોરણો જણાતા હતા. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે, રમતગમતની ઘટનાઓ રાજકીય સ્વાર્થ અને મર્યાદિત વ્યાપારી હિતોને આધીન રહી છે.’

‘આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક વલણ અપનાવવાની ફરજ પડી છે. PCB હવે એવી ટુર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી શકે નહીં, જ્યાં બાહ્ય હસ્તક્ષેપને કારણે નિષ્પક્ષ રમત અને સ્વતંત્ર સંચાલન જેવા મૂળભૂત સિદ્ધાંતો સાથે ચેડા થાય છે.’

શિખર ધવન સહિત ઘણા ભારતીય ખેલાડીઓએ ટુર્નામેન્ટના લીગ તબક્કામાં પાકિસ્તાન સામે રમવાનો ઇનકાર કર્યો હતો. એ પછી બંને ટીમો સેમિફાઇનલમાં ફરીથી એકબીજાનો સામનો કરવાના હતા, પરંતુ ભારતીય ટીમે મેચમાંથી હટી જવાનો નિર્ણય કર્યો હતો.

LEAVE A REPLY