પાકિસ્તાને શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ક્ષમતા વિકસાવવાના ઈરાનના અધિકારને રવિવારે સમર્થન આપ્યું હતું. બંને દેશો બહુવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર પણ કર્યા હતા.
શનિવારે ઇસ્લામાબાદ પહોંચેલા ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને વડાપ્રધાન શાહબાઝ શરીફને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતાં. તેમની મુલાકાત પછી સંયુક્ત પત્રકાર પરિષદમાં શરીફે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાનને પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગનો અધિકાર છે. શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના મુદ્દે પાકિસ્તાન ઇરાનને સમર્થન આપે છે.પરમાણુ કાર્યક્રમના મુદ્દે અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી છે ત્યારે શરીફે આ ટીપ્પણી કરી હતી. જૂનમાં ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનના મુખ્ય પરમાણુ મથકો પર હવાઈ હુમલા પણ કર્યા હતાં.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન શરીફે ઈરાન સામેના ઇઝરાયલના આક્રમણની નિંદા કરી હતી અને સ્વ-બચાવના તહેરાનના અધિકારને સમર્થન આપ્યું હતું. તેમણે ગાઝામાં ઇઝરાયલના હુમલાની પણ ટીકા કરી હતી તથા આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને મુસ્લિમ રાષ્ટ્રોને આ ક્ષેત્રમાં માનવાધિકાર ઉલ્લંઘનો પર ધ્યાન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન અને ઈરાન વાર્ષિક 10 અબજ ડોલરના વેપારના ટાર્ગેટને હાંસલ કરશે.
બંને નેતાઓએ આતંકવાદ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચાવિચારણા કરી હતી અને તેમની સહિયારી સરહદ પર આતંકવાદનો સામનો કરવા માટે સહયોગ મજબૂત કરવા સંમત થયાં હતાં.
પ્રેસિડન્ટ પેઝેશ્કિઆને જણાવ્યું હતું કે જે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમાં બંને પક્ષો વચ્ચે વહેલામાં વહેલી તકે મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા અંગેના કરારનો સમાવેશ થાય છે. રેડિયો પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, શરીફ અને પેઝેશ્કિયાનની હાજરીમાં પાકિસ્તાન અને ઈરાને 12 કરારો અને એમઓયુ કર્યાં હતાં. તેમાં વેપાર, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી, માહિતી અને સંદેશાવ્યવહાર, સંસ્કૃતિ, કલા, પર્યટન, આબોહવા અને દરિયાઈ સલામતીમાં સહયોગનો સમાવેશ થાય છે.
