અમેરિકાના યુએસ-ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી રિવ્યૂ કમિશન (USCC) તેના રીપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારત સાથેના 7થી 10 મે દરમિયાન ચાર દિવસના સંઘર્ષ (ઓપરેશન સિંદૂર)માં પાકિસ્તાની આર્મી સફળ રહી હતી તથા બે પડોશી દેશો વચ્ચેના સંઘર્ષનો લાભ ઉઠાવી ચીને તેના શસ્ત્રોનું પરીક્ષણ અને વિશ્વમાં તેનો પ્રચાર કર્યો હતો. આ સંઘર્ષ પછી ચીને ફ્રાન્સના રાફેલ કરતાં તેના J-35 યુદ્ધવિમાનો શ્રેષ્ઠ હોવાનું દર્શાવવા માટે દુષ્પ્રચાર અભિયાન ચાલુ કર્યું હતું. ચીને ભારતના યુદ્ધવિમાનોનો કાટમાળ દર્શાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ કરેલા ફોટાને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતાં.
અમેરિકી સંસદમાં તાજેતરમાં રજૂ કરાયેલા રીપોર્ટમાં ચાર દિવસના સંઘર્ષમાં ભારત પર પાકિસ્તાનની લશ્કરી સફળતા હકીકતમાં ચીની શસ્ત્રોનું પ્રદર્શન હતું. આ સંઘર્ષને ‘પ્રોક્સી વોર’ તરીકે દર્શાવવાથી ચીનની ભૂમિકા ઉશ્કેરણીજનક લાગી શકે છે, પરંતુ બેઇજિંગે તકવાદી બનીને તેના શસ્ત્રોનું પરીક્ષણ કરવા અને તેની જાહેરાત કરવા માટે સંઘર્ષનો ઉપયોગ કર્યો હતો.
ભારત પર પાકિસ્તાનની લશ્કરી સફળતા અંગેનો યુએસ કમિશનનો આ દાવો ભારતના રાજકીય નેતાઓ અને વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓના નિવેદનોનથી તદ્દન અલગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ કહી ચુક્યા છે કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન થોડા કલાકોમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું.
રીપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું કે આ સંઘર્ષમાં ચીનના ફાઇટર જેટ અને અને હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનો પ્રથમ વખત યુદ્ધમાં ઉપયોગ થયો હતો.પાકિસ્તાને ચાર દિવસના સંઘર્ષ દરમિયાન તેમને સફળતાપૂર્વક ઉડાવ્યા હતાં.












