પાકિસ્તાનમાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચેની કોમી તંગદિલી વધી રહી છે. શિયાઓને ભય છે કે પાકિસ્તાનમાં ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં પ્રસરેલી હિંસા જેવી ઘટના ફરી બની શકે છે. એ વખતે સેંકડો લોકો કોમી હિંસામાં માર્યા ગયા હતા. ગત અઠવાડિયે સુન્ની મુસ્લિમો અને ત્રાસવાદી સંગઠનોએ કરાચીમાં શિયા મુસ્લિમો વિરુદ્ધ દેખાવ કર્યા હતા. તેમણે દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ કરાવી દઇને રસ્તાઓ ચક્કાજામ કર્યા હતા. તેઓએ શિયા કાફિર છે, તેમને મારી નાખવામાં આવે એવા સૂત્રો પોકાર્યા હતા. દેખાવોની આગેવાની પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન સિપાહ-એ-સબાહે કરી હતી. ૨૧ કરોડની વસતી ધરાવતા પાકિસ્તાનમાં શિયાઓની વસતી ૨૦ ટકા છે. દેખાવકારો પર અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી.