ભારતમાં ખાનગી કંપનીઓ દ્વારા રેલવે સેવા શરૂ કરવામાં આવ્યા બાદ તેમને જ ટિકિટના દર નક્કી કરવાની છૂટ આપવામાં આવશે. આ પાછળનો મુખ્ય હેતુ રોકાણકારોને આકર્ષવાનો છે.
‘ખાનગી કંપનીઓને તેમની રીતે રેલવેનું ભાડું નક્કી કરવાની છૂટ આપવામાં આવશે, પરંતુ એસી બસ અને વિમાનો પણ તે રૂટ પર જતા હોય છે તેથી તેઓને ભાડું નક્કી કરતા પહેલા વિચાર કરવો પડશે’, એમ ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવે જણાવ્યું હતું. ભારતમાં રેલવેનું ભાડું રાજકીય રીતે સંવેદનશીલ વિષય છે, કારણ કે ઓસ્ટ્રેલિયાની કુલ વસતિ જેટલા લોકો ભારતમાં રોજ ટ્રેનમાં પ્રવાસ કરે છે તથા ગરીબો સૌથી સરળ અને સસ્તા ટ્રાન્સપોર્ટ તરીકે રેલવેનો જ ઉપયોગ કરે છે.