

શનિવારે લંડન ખાતે પેલેસ્ટાઇન એક્શન વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા પ્રતિબંધિત જૂથના સમર્થનમાં પ્લેકાર્ડ અથવા ચિહ્નો દર્શાવવા બદલ 532 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પકડવામાં આવેલા અડધા કરતા વધુ લોકો 60 કે તેથી વધુ ઉંમરના હતા. સરકારે RAFના ફાઇટર જેટને £7 મિલિયનના નુકસાન અને વધુ હુમલાઓની કથિત યોજનાઓ બાદ પેલેસ્ટાઇન એક્શન ગૃપને પ્રતિબંધિત જાહેર કર્યું હતું અને આ ગૃપને સમર્થન આપવાને ફોજદારી ગુનો બનાવ્યો હતો. છેલ્લા એક દાયકામાં એક જ કાર્યવાહીમાં થયેલી આ સૌથી મોટી ધરપકડ છે.
પકડવામાં આવેલા 10 સમર્થકોની “હું નરસંહારનો વિરોધ કરું છું. હું પેલેસ્ટાઇન એક્શનને ટેકો આપું છું” એવું લખેલા પ્લેકાર્ડ અથવા ચિહ્નો દર્શાવવા બદલ આતંકવાદ કાયદાની કલમ 13 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અન્ય લોકોની પોલીસ અધિકારીઓ પર હુમલો કરવા સહિત અન્ય ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી હતી.
પેલેસ્ટાઇન એક્શનનો વિરોધ કરતા સેંકડો ઇઝરાયલ સમર્થકોએ રવિવારે સેન્ટ્રલ લંડનમાં કૂચ કરી ગાઝામાં હમાસ દ્વારા કેદ કરાયેલા બંધકોને મુક્ત કરવાની માંગ કરી હતી અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં ઇઝરાયલ પરત્વે એકતા દર્શાવવામાં આવી હતી.
ડેટા દર્શાવે છે કે ‘’ધરપકડ કરાયેલા લોકોમાંથી અડધા 60 કે તેથી વધુ ઉંમરના હતા જ્યારે તેમની સરેરાશ ઉંમર 54 હતી. પકડવામાં આવેલા 147 લોકો તો 60થી 69 વર્ષની વયના હતા.
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે પોલીસ કામગીરી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે “પેલેસ્ટાઇન એક્શન દ્વારા હિંસા, ઇજા પહોચાડવી અને વ્યાપક ગુનાહિત નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મજબૂત સુરક્ષા સલાહના આધારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.”
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ યુકેના ચીફ એક્ઝિક્યુટિવ સચા દેશમુખે જણાવ્યું હતું કે ‘’પાર્લામેન્ટ સ્ક્વેરમાં પ્રદર્શનકારીઓ હિંસાને ઉશ્કેરી રહ્યા ન હતા, અને તેમની સાથે આતંકવાદીઓ તરીકે વર્તવું એ સંપૂર્ણપણે વાહિયાત કે અપ્રમાણસર છે. શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ગુનાખોર બતાવવાના બદલે સરકારે ઇઝરાયલના નરસંહારને રોકવા અને તેમાં યુકેની ભાગીદારીના કોઈપણ જોખમને સમાપ્ત કરવા માટે તાત્કાલિક અને સ્પષ્ટ પગલાં લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”
આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા લોકોમાં ભૂતપૂર્વ સરકારી સલાહકાર સર જોનાથન પોરિટ (ઉ.વ. 750, ભૂતપૂર્વ સૈન્ય અધિકારી ક્રિસ રોમબર્ગ (ઉ.વ. 75) પુરસ્કાર વિજેતા કવિ એલિસ ઓસ્વાલ્ડ ઉ.વ. 58) મુખ્ય હતા.
કેટલાકે દાવો કર્યો હતો કે વૃદ્ધ કેદીઓને પાણી આપ્યા વગર તડકામાં રાહ જોતા છોડી દેવામાં આવ્યા હતા.
છ લોકોની ધરપકડો પોલીસ પર હુમલો કરવા બદલ, અન્યને અવરોધ પહોંચાડવા, વિરોધની શરતોનો ભંગ કરવા અને જાતિગત રીતે ઉગ્ર ગુના બદલ કરવામાં આવી હતી. પ્રતિબંધિત પેલેસ્ટાઇન એક્શન જૂથને ટેકો આપવા બદલ 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
