
યુકેમાં ભારે ગરમીનો બીજો સમયગાળો શરૂ થવા સાથે મિડલેન્ડ્સ, ઇસ્ટ એંગ્લિયા, લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં મંગળવારે સવારથી બુધવારની સાંજના 6 સુધી એમ્બર હીટ હેલ્થ એલર્ટ અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ, નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડ, યોર્કશાયર, હમ્બર અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સના કેટલાક ભાગોમાં આ અઠવાડિયે ગરમી શિખર પર હતી અને મધ્ય અને દક્ષિણ ઇંગ્લેન્ડમાં ઉચ્ચતમ તાપમાન 33-34 ડીગ્રી સેલ્સીયસ પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. જ્યારે ઇંગ્લેન્ડ અને વેલ્સના મોટાભાગના ભાગોમાં 25-28 ડીગ્રી સેલ્સીયસ અને સ્કોટલેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ઉચ્ચતમ તાપમાન 20 ડીગ્રી સેલ્સીયસ સુધી રહેવાની ધારણા છે. ગરમીના કારણે સંભવિત મુસાફરીમાં વિક્ષેપ પહોંચશે અને આરોગ્ય સેવાઓ પર વધારાનું દબાણ આવે તેવો સંકેત છે.
ઉચ્ચ ભેજ અને ન્યૂનતમ પવનને કારણે પરિસ્થિતિ વધુ ગરમ થવાની સંભાવના છે. ચેતવણી આપવામાં આવી છે કે ઇંગ્લેન્ડ “રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર” પાણીની અછતનો સામનો કરી રહ્યું છે અને પર્યાવરણ એજન્સીએ પણ પરિસ્થિતિની ગંભીરતાની પુષ્ટિ કરી છે.
હવામાન નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તનને કારણે આવા ગરમીના મોજા વધુ, વારંવાર અને તીવ્ર બની રહ્યા છે. અધિકારીઓ લોકોને સાવચેતી રાખવા, પાણી પીતા રહેવા અને સંવેદનશીલ પડોશીઓ પર નજર રાખવા વિનંતી કરી છે.
સાઉથ યુરોપનો મોટા ભાગનો વિસ્તાર વધુ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યો છે. ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં તાપમાન 40 ડીગ્રી સેલ્સીયસથી વધુ રહેશે તેવી આગાહી છે. સ્પેન અને પોર્ટુગલના કેટલાક ભાગોમાં જંગલોમાં આગ લાગવાના અહેવાલો મળ્યા છે, જે કટોકટીમાં વધારો કરી રહ્યા છે.
હોઝપાઈપ પ્રતિબંધ: £1,000 સુધીનો દંડ
સાઉથ ઇસ્ટ વોટર, સાઉધર્ન વોટર, થેમ્સ વોટર અને યોર્કશાયર વોટર દ્વારા પોતાના પ્રદેશોમાં હોસપાઇપ પર પહેલાથી જ પ્રતિબંધ લાગુ કર્યો છે.
હોઝપાઈપ પ્રતિબંધ અંતર્ગત હોઝપાઈપનો ઉપયોગ કરતા લોકોને £1,000 સુધીનો દંડ થઈ શકે છે. હોઝપાઈપ પ્રતિબંધ હોય ત્યારે તમારા બગીચા અથવા છોડને પાઇપ વડે પાણી આપી શકાતું નથી. વાહનો, રસ્તાઓ, પેટીયો અથવા બારીઓ ધોઇ શકાતી નથી.
પર્યાવરણ એજન્સી કહે છે કે ઇંગ્લેન્ડમાં લાખો લોકો દુષ્કાળથી પ્રભાવિત વિસ્તારોમાં રહે છે, અને જો શુષ્ક હવામાન ચાલુ રહેશે તો ઇંગ્લેન્ડના અન્ય ભાગોમાં તેનું જોખમ રહેલું છે. સ્કોટલેન્ડમાં એબરડીનશાયર અને લોથિયન અને વેલ્સના પશ્ચિમી વિસ્તારોમાં પણ પાણીના સ્તર નીચા જતાં નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગરમીમાં કેવી રીતે સુરક્ષિત રહેવું?
હીટવેવ વખતે લોકોને સાવચેતી રાખવા અને તબિયતની કાળજી લેવા સલાહ આપવામાં આવી છે.
- ગરમી તેની ટોચ પર હોય ત્યારે સવારે 11 થી બપોરે 3 વાગ્યાની વચ્ચે ખૂબ સક્રિય રહેવું અને સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું.
- તમે પૂરતું પાણી પી રહ્યા છો કે નહિં તેની ખાતરી કરવી.
- સૂર્યપ્રકાશમાં ઘરની બારીઓ બંધ રાખવી અને ઠંડી હવા ફેલાવવા માટે પંખાનો યોગ્ય રીતે ઉપયોગ કરવો.
- ઘરની બહાર હો, ત્યારે સનસ્ક્રીન અને કેપ-હેટ અથવા સનગ્લાસ તથા શરીર ઢંકાય તેવા હળવા કપડાં પહેરવા.
- સૂર્યપ્રકાશ આવતો હોય તે તરફની બારીઓ અથવા પડદા બંધ કરવાથી ઘરને ઠંડુ રાખવામાં મદદ મળી શકે છે.
- ગરમીના થાક અને હીટસ્ટ્રોકના બાહ્ય લક્ષણો જાણો અને જરૂર લાગે તો તબીબી સહાય મેળવો.
