ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 12 ડિસેમ્બરના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ સરકારે મંગળવારે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને મંગળવારે ફરી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. જો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કાંડમાં સામેલ તમામ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓને સજા કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને તેમને એવી કડક સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફૂટેલા પેપર કોઈ હાથમાં પણ નહીં પકડે.

સંધવીએ વધુમાં જણાવ્યું કે, 88 હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી હતી, જેથી તેમના હિતમાં આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાગેડુ આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 2 પરીક્ષાર્થી પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને પરીક્ષાર્થી હિંમતનગરના હોવાનું સામે આવ્યું છે