ગુજરાતમાં રવિવાર, 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના શેલા ગામમાં લોકો મતદાન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.(ANI Photo)

ગુજરાતની 8,686 ગ્રામપંચાયત ચૂંટણીનું રિઝલ્ટ મંગળવાર 21 ડિસેમ્બરે આવતા ગામડામાં રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્યના તાલુકા મથકો પર વહેલી સવારથી મતગણતરીનો પ્રારંભ થયો હતો. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારનાં ભાવિનો ફેંસલો થયો હતો. 33 જિલ્લાનાં વિવિધ ગામોમાં સરપંચપદ માટે વિજેતાઓની તબક્કાવાર જાહેરાત થવા લાગી હતી.

ઉમેદવારો મંગળવારે સવારથી જ સમર્થકો સાથે મતગણતરી કેન્દ્ર પર પહોંચી ગયા હતા. ઢોલ-નગારા, ડી.જે., અબીલ-ગુલાલ, હારતોરા સાથે મતગણતરી કેન્દ્રની બહાર ઉભા રહીને પરિણામની પ્રતિક્ષા કરવા લાગ્યા હતા. મતગણતરી ચાલુ થવાની સાથે કડકડતી ઠંડીમાં ગરમીનો માહોલ સર્જાયો હતો.

ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 77 ટકા મતદાન થયું હતું. સરપંચની ચૂંટણીમાં સરેરાશ 77.03 ટકા મતદાન થયું હતું, જ્યારો વોર્ડ મેમ્બરની ચૂંટણીમાં સરેરાશ 72.92 ટકા મતદાન થયું હતું. કુલ 1ય81 કરોડ મતદાતા હતા. સરપંચના પદ માટે કુલ 27,200 ઉમેદવારો મેદાનમાં હતા, જ્યારે પંચાયતના સભ્ય બનવા માટે 1,19,998 ઉમેદવારો મેદાનમાં હતા.

અમદાવાદ જિલ્લામાં ૩૬૨ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ ૭૯.૪૦ જેટલું જંગી મતદાન થયું હતું. સૌથી વધુ મતદાન વોર્ડ સભ્ય માટે વિરમગામમાં ૮૪.૯૭ ટકા તેમજ સાણંદમાં સરપંચ પદ માટેના મતદાનમાં ૮૪.૩૬ ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. બાવળામાં પુરૂષ કરતા સ્ત્રી મતદારોના મતદાનની ટકાવારી સૌથી વધુ રહી હતી. ૨૦ ડિસેમ્બરે બાવળા તાલુકાના રૂપાલ ગામે વોર્ડ નંબર-૧ માં પુનઃમતદાન થયું હતું. જિલ્લામાં કુલ ૭,૩૫,૭૬૧ મતદારોમાંથી ૫,૮૪,૧૫૮ મતદારોએ મતદાન કર્યું હતું.

૨૧ ડિસેમ્બરને મંગળવારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. તે માટેની તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી હતી. દરેક તાલુકા મથકે મતગણતરીને કેન્દ્રો પર સવારે ૯ કલાકે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.. બેલેટ પેપરની ગણતરી હોવાથી છેલ્લું પરિણામ આવતા મોડું થવાની સંભાવના છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણીનો લીટમસ ટેસ્ટ ગણાય છે. મતદારોનો મિજાજ કઇ તરફનો તેનો અંદાજો લગાવવા માટે પણ આ ચૂંટણી એક વિશ્લેષણ માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડશે.

સરોગેટ માતા સરપંચ બની

બે વાર પોતાની કોખ ભાડે આપીને સરોગેટ માતા બનેલા43 વર્ષના ભાનુબેન વણકર પોતાના ગામ ગોરવામાં બિનહરિફ સરપંચ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. ગોરવા ગામ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલું છે. ભારતમાં એક સમયે સરોગસી માટેના હબ ગણાતા આણંદના બોરસદ તાલુકાના ગોરવા ગામના વતની ભાનુબેનના જીવનમાં આ એક વધુ માઈલસ્ટોન હતો જ્યારે તેઓ બિનહરિફ સરપંચ તરીકે ચૂંટાયા. તેમણે તે સમયે પોતાની કૂખ ભાડે આપવાનું પગલું ભર્યું જ્યારે તેમનો પરિવાર ગરીબીનો સામનો કરતો હતો.

બે ઉમેદવારો વચ્ચે ટાઇ પડી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામમાં બે સરપંચ ઉમેદવારો વચ્ચે ટાઇ મળી હતી. કનુ નાયકા અને શૈલેષ નાયકાને એકસરખા 401 મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસરે ચીઠ્ઠી ઉછાળીને વિજેતાની જાહેરાત કરી હતી. કનુ નાયકા ગામના સરપંચ બન્યા હતા.

આણંદ જિલ્લાના મોરજમાં બે જૂથ વચ્ચે સંઘર્ષ

આણંદ જિલ્લાના મોરજ ગામમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથ અથડામણ થઈ હતી. ઘર-વાહનોમાં તોડફોડ કરાઈ હતી. બીજી તરફ હિંમતનગરના કનાઈમાં સરપંચના વિજય સરઘસ પર પથ્થરમારો થયો હતો.

પુત્રની સામે માતાનો 27 મતથી વિજય

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાની ગલોલીવાસણા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં સભ્યપદની દાવેદારી માતા અને પુત્રએ સામસામે નોંધાવી ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં પુત્રની સામે માતાની 27 મતે જીત થઈ હતી. માતા દીવાબેન સોમાભાઈ સેનમાને 45 મત મેળવ્યા હતા. તો પુત્ર દશરથભાઈ સોમાભાઈ સેનમાને 18 મત મળ્યા હતા.