પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ રાજીનામુ આપી દીધું છે અને હવે તેમનું સ્થાન કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ લેશે. આ વાતની જાણકારી પરાગે પોતે આપી છે. પરાગે એક ટ્વીટ કરીને જેક ડોર્સી અને કંપનીની આખી ટીમનો આભાર વ્યક્ત કર્યો છે. ટ્વિટરના નવા સીઈઓ ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બનવાના છે આ વાતની જાણકારી સામે આવ્યા પછી દેશભરમાં તેમની ચર્ચા થઈ રહી છે. લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આખરે પરાગ અગ્રવાલ કોણ છે?

અત્યારે પરાગ અગ્રવાલ ટ્વિટરમાં સીટીઓ એટલે કે ચીફ ટેક્નોલોજી ઓફિસરના પદ પર કામ કરી રહ્યા છે. આ પહેલા આ હોદ્દા પર એડમ મેસિંગર કામ કરતા હતા. એડમે ડિસેમ્બર 2016માં કંપની છોડી અને ત્યારપછી ઓક્ટોબર 2017માં પરાગ અગ્રવાલને સીટીઓ બનાવી દેવામાં આવ્યા. સત્તાવાર રીતે આ બાબતની જાહેરાત 8 માર્ચ 2018માં કરવામાં આવી હતી. પરાગ અગ્રવાલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર જે કામ કર્યુ હતું તેના ખૂબ વખાણ થયા હતા. જ્યારે તે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે માઈક્રોસોફ્ટ, યાહુ, એટીએન્ડટી જેવી દિગ્ગજ કંપનીઓમાં ઈન્ટર્નશિપ પણ કરી હતી.

ટ્વિટરના નવા સીઈઓ પરાગ અગ્રવાલે આઈઆઈટી બોમ્બેથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. ત્યારપછી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટ કર્યુ હતું. પરાગ અગ્રવાલ 2011થી ટ્વિટરમાં કામ કરી રહ્યા છે. જ્યારે તે કંપની સાથે જોડાયા હતા ત્યારે ટ્વિટરના કર્મચારીઓની સંખ્યા 1000થી પણ ઓછી હતી. જેક ડોર્સીએ ટ્વિટ કરીને રાજીનામાની વાત કહી અ સાથે જ પરાગ અગ્રવાલ સીઈઓ બનશે તેવી જાહેરાત કરી હતી. તેમણે પરાગના વખાણ પણ કર્યા છે.