જાણીતી ઇન્ડિયન અમેરિકન સુપરમાર્કેટ ચેઇન પટેલ બ્રધર્સે હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરાઈ હતી. કોરોના વાઇરસની પરિસ્થિતિને કારણે જેકસન હાઇટ્સ લોકેશન સહિતના અમેરિકાના તમામ સ્ટોર્સ 10 દિવસ બંધ રખાયા હતા. પટેલ બ્રધર્સ ભારતીય ઉપ મહાદ્વિપ અને મધ્ય પૂર્વના દેશોની ખાણી પીણીની વસ્તુઓનું વેચાણ કરતા 50થી વધુ ગ્રોસરી સ્ટોર્સનું અમેરિકામાં સંચાલન કરે છે.

ક્વીન્સ, બરો અને બેલેરોઝ સહિતના વિવિધ સ્થળે આવેલા આ સ્ટોર્સ 10 દિવસ બંધ રહેશે અને તે 9 એપ્રિલે ફરીથી શરૂ કરાશે. કંપનીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે, રોગચાળાથી બચવા માટે આ મહત્ત્વનું પગલું છે, અને વિશેષમાં તો સમુદાયને સલામત રાખવા તે જરૂરી છે. અમે અમારા કર્મચારીઓ અને ગ્રાહકોની સાથે આ રોગચાળા સામે સતત લડતા લોકો અને મેડિકલ પ્રોફેશનલ્સની સલામતી ઇચ્છીએ છીએ.

દરેક દિવસે આપણે અલગ રહીએ, સામાજિક અંતર જાળવીએ અથવા ક્વોરન્ટાઇનમાં રહીએ.અમેરિકામાં કોરોના વાઇરસની વધતી ચિંતાને કારણે પટેલ બ્રધર્સ માટે ખોટી અફવા ફેલાઇ હતી. તેથા આ જાહેરાત દ્વારા સ્પષ્ટીકરણ કરાયું છે અને જરૂરી માહિતી આપવામાં આવી છે. સોશિયલ મીડિયામાં એવી પણ અફવા ફેલાઇ હતી કે સ્ટોર્સના કર્મચારીને કોરોના પોઝિટિવ છે. પરંતું કંપનીની વેબસાઇટમાં જણાવ્યું છે કે, કોઇપણ કર્મચારીનો આવો રીપોર્ટ આવ્યો નથી.