ફાઇલ ફોટો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (સેન્ટર), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (ડાબી બાજુ) અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિજયનો સંકેત આપ્યો હતો. (PTI Photo)

ભારતના 75મા સ્વતંત્રતા પર્વ નીમિત્તે ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે કાર્યકર્તાઓની હાજરીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે પાટીલે ચૂંટણી અંગે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં ઘણુ સારુ કામ થયું છે. આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.

રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે પાટિલે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની માત્ર અફવાઓ છે. આગામી વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે. ભાજપ દ્વારા અત્યારથી જ મતદારોને રિઝવવા માટે ચૂંટણીલક્ષી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપે જનઆશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.