અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે ટૂંક સમયમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ માટે તેમની યોજના રજૂ કરશે. ટ્રમ્પે ગુરુવારે એર ફોર્સ વનમાં જતા પહેલા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક સારી યોજના છે. શક્ય છે કે પેલેસ્ટાઈનના લોકોને શરૂઆતમાં આ યોજના પસંદ ન આવે પણ આ યોજના તેમના માટે લાભદાયક હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગત મંગળવારે ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્ઝામીન નેતન્યાહુ અને તેમના હરિફ બેની ગેન્ટ્ઝને મંગળવારે આ યોજના અંગે મંત્રણા કરવા આમંત્રણ આપ્યું હતું.

ટ્રમ્પે કહ્યું છે કે તેમના પ્રશાસને આ યોજના અંગે પેલેસ્ટાઈનના નાગરિકો સાથે વાતચીત કરી છે.ત્યાના નાગરિકોએ આ યોજના રજૂ થાય તે પહેલા જ તેને નકારવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે અત્યારે અમારી પેલેસ્ટાઈનના નાગરિકો સાથે મર્યાદિત પ્રમાણમાં જ વાતચીત થઈ છે. થોડા સમય બાદ અમે ફરી આ યોજના પર તેમને સમજાવવાનો પ્રયત્ન કરશું. જોકે, પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના પ્રવક્તા નબીલ અબુ રુદિને ટ્રમ્પની આ જાહેરાત બાદ કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલે તેમની મર્યાદા પાર કરવાની જરૂર નથી.

ટ્રમ્પ આ અગાઉ પણ અનેક વખત ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ સમજૂતીની દરખાસ્ત રજૂ કરવાની વાત કરી ચુક્યા છે. જોકે, તેમની યોજના છેલ્લા બે વર્ષથી અટકેલી પડી હતી. પેલેસ્ટાઈનના લોકોના મનમાં એવી ધારણા છે અમેરિકાની આ યોજના માત્ર ઈઝરાયલ તરફી જ હશે, માટે આ વાત પણ બિનજરૂરી છે.

અમેરિકાએ ગત વર્ષ ઈઝરાયલ અંગે તેની નીતિઓમાં મોટો ફેરફાર કર્યો હતો. ટ્રમ્પ પ્રશાસનને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયની જારી નીતિમાં ફેરફાર કરતા ઈઝરાયલના વેસ્ટ બેન્ક અને પૂર્વ જેરુસલેમ પર કબ્જાને માન્યતા આપી હતી. એટલે કે અમેરિકા વેસ્ટ બેન્કમાં ઈઝરાયલી વસ્તીને આંતરરાષ્ટ્રી કાયદાના ઉલ્લેઘન તરીકે જોતુ નથી. વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે વેસ્ટ બેન્ક હંમેશા ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે વિવાદનું કારણ રહ્યું છે. આ વસાહતો અંગે વારંવાર આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો કોઈ જ ફાયદો થયો નથી. તેને લીધે શાંતિના પ્રયાસો થયા નથી.

ઈઝરાયલની રચના વર્ષ 1948માં થઈ હતી. તે સમયે પેલેસ્ટાઈને આરોપ લગાવ્યો હતો કે યહુદિયોએ બળજબરીપૂર્વક તેમની જમીન પચાવી પાડી છે. જ્યારે યહુદિઓનું કહેવું હતું કે જેરુસલેમ અને તેની આજુબાજુની જમીન હંમેશા તેની રહી છે. ઈઝરાયલ સંપૂર્ણ જેરુસલેમને પોતાની પ્રાચીન અને અવિભાજ્ય રાજધાની માને છે. તેને લઈ ઈઝરાયલ વર્ષ 1967માં આરબ દેશો સામે મિડલ-ઈસ્ટ યુદ્ધ લડી ચુક્યું છે અને તેમને હરાવીને પેલેસ્ટાઈનના મોટા વિસ્તારો પર કબ્જો કર્યો હતો.

ત્યારબાદથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જમીનના વિભાજનને લગતા અનેક પ્રસ્તાવ રજૂ થયા, પરંતુ બન્ને દેશ તેને માનતા નથી. વર્ષ 1993માં થયેલી શાંતિ સમજૂતી મુજબ જેરુસલેમની સ્થિતિને લઈ બન્ને દેશ વચ્ચે શાંતિ મંત્રણા થતી રહે છે. જોકે, વર્ષ 1967 બાદ ઈઝરાયલે અહીં અનેક નિર્માણ કાર્ય કરતુ આવ્યું છે. હજુ પૂર્વી જેરુસલેમમાં આશરે 2 લાખ યહુદિયોના ઘર છે. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે તે ગેરદાયેસર છે, પણ ઈઝરાયલ તેને માનવા તૈયાર નથી.