પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પેપ્સિકોએ આશરે બે વર્ષ પહેલા તેની રજિસ્ટ્રર્ડ પોટેટો વેરાઇટીનું ઉત્પાદન કરવા બદલ ગુજરાતના નવ ખેડૂતો સામે પેટન્ટ ભંગનો જંગી દાવો માંડીને દેશમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. ગુજરાત સરકારની દરમિયાનગીરી બાદ કંપનીએ ખેડૂતો સામેના દાવા પાછા ખેંચી લીધા હતા. પરંતુ હવે આ મલ્ટિનેશનલ કંપનીના પોટેટો વેરાઇટીના રજિસ્ટ્રેશનને ભારતની પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી (PPV&FRA)એ રદ કર્યા છે.

આ પોટેટો વેરાઇટીનું નામ FL-2027 છે અને તે પેપ્સિકોની જાણીતી બ્રાન્ડ લેઝ પોટેટો ચિપ્સમાં વપરાય છે. ગુજરાતના ખેડૂતો સાથે એપ્રિલ 2019માં વિવાદ ઊભો હતો. કંપનીએ ગુજરાતના 12,000 ખેડૂતોને આ બટાટાના વાવેતર માટે એક ખરીદીનો કરાર કરીને છૂટ આપી હતી. આ કરારમાં સામેલ ન હતાં તેવા ખેડૂતો પણ આ વેરાઇટીનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં વેચાણ કરે છે તેવો આરોપ મૂકીને પેપ્સિકોએ પેટન્ટ કાયદા હેઠળ નવ ખેડૂતો સામે રૂ.4.2 કરોડનો દાવો માંડ્યો હતો. તેનાથી વિવાદ થયો હતો અને ચૂંટણીનો સમય હતો. તેથી ગુજરાત સરકારે દરમિયાનગીરી કરી હતી અને કંપનીએ મે 2019માં કેસો પાછા ખેંચી લીધા હતા.

હવે બટાકાની આ વેરિરાઇટીની કંપનીએ વિશેષ હકો ગુમાવ્યા છે. કૃષિ કાર્યકર્તા કવિતા કુરુગન્ટીએ દાખલ કરેલી પિટિશન સંદર્ભે ઓથોરિટીએ આ આદેશ આપ્યો હતો. બટાટાંની વેરાઇટી નોંધણી માટે જણાવાયેલી જોગવાઈઓ મુજબની ન હોવાનું તેમજ તે જાહેર હિત વિરુદ્ધ હોવાનું જણાવીને કવિતાએ બટાટાંની વેરાઇટી ઉપરના પેપ્સિકોના બૌદ્ધિક સંપત્તિના અધિકારને પણ પડકાર્યો હતો.