પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન માટે કાઉન્સેલિંગ હવે માત્ર ઓનલાઈન મોડમાં જ કરવામાં આવશે અને કોલેજોએ દરેક કોર્સ માટે અગાઉથી ફી જાહેર કરવી પડશે. કોઈપણ કોલેજ ઉમેદવારોને પોતાની રીતે પ્રવેશ આપશે નહીં, એમ  નેશનલ મેડિકલ કમિશન (NMC)એ  જણાવ્યું હતું.

મેડિકલ એજ્યુકેશનની નિયમનકારી સંસ્થા NMCએ તાજેતરમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 2023નું નોટિફિકેશન જારી કર્યું હતું, જે મુજબ તમામ PG બેઠકો માટે કાઉન્સેલિંગના તમામ રાઉન્ડ રાજ્ય અથવા કેન્દ્રીય કાઉન્સેલિંગ સત્તાવાળાઓ દ્વારા ઓનલાઇન ધોરણે યોજવામાં આવશે. ભારતની તમામ મેડિકલ ઇન્સ્ટીટ્યૂશન્સ માટે માત્ર સંબંધિત પરીક્ષાઓના મેરિટ લિસ્ટના આધારે મેડિસિનના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એક સર્વસામાન્ય કાઉન્સેલિંગ હશે.

જાહેરનામામાં જણાવ્યા અનુસાર તમામ બેઠકો માટેના કાઉન્સેલિંગના તમામ રાઉન્ડ રાજ્ય અથવા કેન્દ્રીય કાઉન્સેલિંગ ઓથોરિટી દ્વારા ઓનલાઈન મોડ પર યોજવામાં આવશે અને કોઈપણ મેડિકલ કોલેજ/સંસ્થા કોઈ ઉમેદવારને પોતાની રીતે પ્રવેશ આપશે નહીં. સીટ મેટ્રિક્સમાં વિગતો દાખલ કરતી વખતે મેડિકલ કોલેજોએ દરેક કોર્સ માટે ફીની રકમનો ઉલ્લેખ કરવો પડશે, જો આવું નહીં કરે તો સીટની ગણતરી થશે નહીં.

NMCના પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડના પ્રમુખ ડૉ. વિજય ઓઝાએ જણાવ્યું હતું કે પરીક્ષા પદ્ધતિમાં પણ કેટલાક ફેરફારો કરાયાં છે, જેમાં ફોર્મેટિવ એસેસમેન્ટ અને યુનિવર્સિટી પરીક્ષાઓમાં મલ્પિપલ-ચોઇસ પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પરીક્ષાને નિષ્પક્ષ બનાવવા અને આંતરરાષ્ટ્રીય ધોરણોને મેચ કરવા આ સુધારા કરાયા છે. બીજો ફેરફાર ડિસ્ટ્રિક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ (ડીઆરપી) કરાયો છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સારી તાલીમ આપી શકાય. અગાઉ જિલ્લા હોસ્પિટલને 100 પથારીવાળી હોસ્પિટલ તરીકે વ્યાખ્યાયિત કરાઈ હતી. નવા નિયમોમાં જરૂરિયાત ઘટાડીને 50 બેડ કરાઈ છે.

નવા નિયમો અનુસાર એક વખત મેડિકલ કોલેજને પીજી કોર્સ અથવા સીટો શરૂ કરવાની પરવાનગી આપવામાં  આવ્યા પછી વિદ્યાર્થીઓ માટે લાયકાતની નોંધણીના હેતુથી તેના અભ્યાસક્રમને માન્ય ગણવામાં આવશે. આ ઉપરાંત અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોલેજો હવે ત્રીજા વર્ષથી અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરી શકશે. અગાઉ તે ક્લિનિકલ સ્પેશિયાલિટીમાં ચોથા વર્ષથી હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments