ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા રૂ. ૫૦૦ કરોડનો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ વડોદરામાં સ્થાપશે. ગુજરાત સરકારે આ પ્લાન્ટ સ્થાપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. પ્રથમ તબક્કે રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે પ્લાન્ટની સ્થાપના બાદ મેનકાઇન્ડ ફાર્મા તબક્કાવાર રૂ. ૧૧૦૦ કરોડનું રોકાણ કરશે. આ અંગે સરકારના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસે વિગતો આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ચાલી રહેલી ‘ઇન્ડિયન ફાર્મા એન્ડ મેડિકલ ડિવાઇસ ૨૦૨૧’ ઇવેન્ટ દરમિયાન સ્પેશિયલ વર્ચ્યુઅલ સાઇનિંગ સેરેમનીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. આ પ્લાન્ટની સ્થાપના માટેના ‘લેટર ઓફ ઇન્ટેન્ટ’ અને ‘પ્રોજેક્ટ આઉટ લે’ ને ભારત સરકારના ડિપાર્ટમેંટ ઓફ ફાર્માસ્યુટિકલની સ્વીકૃતિ મળી ગઇ છે અને આ સૂચિત પ્રોજેક્ટની સ્થાપના માટે ડિપાર્ટમેંટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. રાજ્ય સરકાર પણ આ પ્રોજેક્ટને પૂર્ણ સહયોગ આપશે. તેમણે વધુમાં કહ્યું કે, મેનકાઇન્ડ ફાર્માનો આ પ્લાન્ટ ૧૦૦% એક્સ્પોર્ટ ઓરિએન્ટેડ હશે. ગુજરાતમાં ઉત્પાદિત થનારી ફાર્મા પ્રોડક્ટસ અમેરિકા નેધરલેન્ડ જેવા દેશોમાં એક્સપોર્ટ થશે. મેનકાઇન્ડ ફાર્મા જેવી કંપનીઓ ઈમ્પોર્ટ ડિપેન્ડન્સી ઘટાડવા ભારત સરકારની ‘પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ’ (PLI ) યોજનાનો લાભ પણ મેળવી શકશે.
સમગ્ર દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં આવેલા કુલ એફ.ડી.આઇ.ના સૌથી વધુ એટલે કે ૫૩% એકલા ગુજરાતમાં આવ્યું છે તેમ પણ શ્રી દાસે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ફાર્માસ્યુટિકલના આ નવા સુચિત પ્રોજેક્ટના આગમનથી ફાર્મા સેકટરને વધુ લાભ મળશે.