ફાઇઝરે ભારતમાં કોવિડ-૧૯ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માટે કરેલી અરજી શુક્રવારે પાછી ખેંચી લીધી છે. લોકલ સેફ્ટી અને ઇમ્યુનોજેનિસિટી સ્ટડી માટેની ભારતની માગણીને પગલે કંપનીએ આ અરજી પાછી માગી લીધી હતી. આનો અર્થ એવો થાય છે કે ભારતે આ વેક્સિન સ્થાનિક લોકો માટે સુરક્ષિત છે કે નહીં અને અસરકારક છે કે નહીં તેના ડેટા માંગ્યા હતા, પરંતુ આ માગણી કંપની પૂરી કરી શકી ન હતો.

આનો અર્થ એવો થાય છે કે ફાઇઝરની વેક્સિન નજીકના ભવિષ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે નહીં. ભારતે બીજી કંપનીઓની વેક્સિનને આધારે હાલમાં રસીકરણ અભિયાન ચાલુ કર્યું છે. ફાઇઝર દેશમાં કોરોના વેક્સિન માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગનાર પ્રથમ દવા કંપની હતી.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે, કોવિડ-૧૯ વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજૂરીના સંદર્ભમાં ફાઇઝરે ત્રણ ફેબ્રુઆરીએ ડ્રગ રેગ્યુલેટરની એક્સપર્ટ કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં ચર્ચા અને રેગ્યુલેટરને વધુ માહિતીની જરૂર હોવાની કંપનીએ હાલ પોતાની અરજી પાછી લેવાનો નિર્ણય લીધો છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે ફાઇઝર આ અંગે સંપર્કમાં રહેશે અને આગામી સમયમાં વેક્સિનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે વધુ માહિતી સાથે મંજૂરી માટે અરજી કરશે.