(Photo by -/AFP via Getty Images)

આજના સમયમાં બોલિવૂડની ફિલ્મોમાં યુવા કલાકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. જોકે, હવે આ દિશામાં પરિવર્તન આવી રહ્યું છે. જાણીતા અનેક પીઢ કલાકારો આવનારા સમયમાં ફિલ્મોમાં ફરીથી અભિનય કરતા જોવા મળશે.

તાજેતરનાં વર્ષોમાં કેટલાક સીનિયર એક્ટર્સે હિન્દી ફિલ્મ્સમાં પોતાની છાપ છોડી છે. જેમ કે, 2018ની હિટ ફિલ્મ ‘બધાઈ હો’માં નીના ગુપ્તા અને ગજરાજ રાવ હોય કે 2019ની મેગા હિટ ‘કબીર સિંઘ’માં કામિની કૌશલ કે પછી ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’માં મિથુન ચક્રવર્તી હોય. આ સીનિયર એક્ટર્સે બતાવ્યું છે કે, જો તેમને યોગ્ય રોલ્સ આપવામાં આવે તો તેઓ પણ બોક્સ-ઓફિસ પર સક્સેસ મેળવી શકે છે. અહીં એવા કેટલાક દિગ્ગજ કલાકારો પર એક નજર કરીએ કે જેઓ ફરીથી ફિલ્મોમાં જોવા મળશે.

ઝીનત અમાન તેમના જમાનામાં તેમની સ્ટનિંગ સ્ક્રીન પ્રેઝન્સથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચતા હતા. તેઓ હવે આગામી મર્ડર મિસ્ટ્રી ‘મડગાંવ: ધ ક્લોઝ્ડ ફાઇલ’માં જોવા મળશે. આ ફિલ્મ અગાથા ક્રિસ્ટીની કૃતિઓ જેવી રહેશે અને એમાં એક એંગ્લો-ઇન્ડિયન ફેમિલીના હેડ તરીકે 69 વર્ષની આ અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે. ઝીનત છેલ્લે આશુતોષ ગોવારિકરની 2019ની હિસ્ટોરિકલ ડ્રામા ‘પાનીપત’માં એક નાનો રોલ કર્યો હતો. કમનસીબે એ ફિલ્મ બોક્સ-ઓફિસ પર ફ્લોપ રહી હતી.

રિશી કપૂરનાં પત્ની અને પીઢ અભિનેત્રી નીતુ કપૂર પાંચ દાયકાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથે જોડાયેલા છે. છેલ્લે તેઓ 2013ની ફિલ્મ ‘બેશરમ’માં ઓનસ્ક્રીન જોવા મળ્યા હતા. જેમાં રિશી કપૂર અને તેમનો દીકરો રણબીર કપૂર જોવા મળ્યા હતા. તેઓ હવે નવી ફિલ્મ ‘જુગ જુગ જીયો’થી કમબેક કરશે. જેમાં અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી પણ લીડ સ્ટાર્સ છે.

85 વર્ષના ધર્મેન્દ્ર કરણ જોહરની ડિરેક્ટર તરીકેની નવી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મમાં રણવીર સિંઘ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત આ ફિલ્મમાં શબાના આઝમી અને જયા બચ્ચન પણ જોવા મળશે. ધર્મેન્દ્ર ઇન્ડિયન સિનેમાના હી-મેન તરીકે પણ જાણીતા હતા. તેમણે 1960ની અર્જુન હિંગોરાનીની ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની 61 વર્ષની સફરમાં તેમણે અનેક યાદગાર ફિલ્મ્સ આપી છે.

બોલીવૂડમાં એક પીઢ અને અનુભવી અભિનેત્રી તરીકે પોતાનું અલગ સ્થાન ઊભું કરનાર જયા બચ્ચન છેલ્લે 2016ની ફિલ્મ ‘કિ એન્ડ કા’માં જોવા મળ્યા હતા.