યુનાઈટેડ આરબ એમિરેટ્સે ભારત, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, યુગાન્ડા નાઈજિરિયા જેવા કેટલાક દેશોના લોકો માટેના પ્રવાસ નિયંત્રણો ગુરૂવાર, પાંચ ઓગસ્ટથી હળવા કરવાની જાહેરાત કરી છે. તો સ્પેઈને ભારત, નેપાળ સહિતના કેટલાક દેશોના તમામ વર્ગના નાગરિકો માટે તેમણે કોરોનાની યુરોપિયન યુનિયન દ્વારા માન્ય રસીના બન્ને ડોઝ લઈ લીધા હોવાની શરતે વિઝા ઈસ્યુ કરવાની અને દેશમાં પ્રવેશની મંજુરી આપવાની જાહેરાત કરી હતી. સ્પેઈનના આ નવા નિયમો સોમવાર, બે ઓગસ્ટથી અમલી બન્યા છે.

યુએઈએ કરેલી જાહેરાત અનુસાર ભારત સહિતના દેશોના નાગરિકો હવે યુએઈ થઈને અન્ય દેશો માટેની ફલાઈટ્સનો ઉપયોગ કરી શકશે. તેમના માટે યુએઈના એરપોર્ટ્સ ઉપર અલગ વ્યવસ્થા કરાશે. એ માટે પ્રવાસીઓએ પોતાના દેશમાંથી રવાના થયાના 72 કલાક પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે અને તેનો રીપોર્ટ નેગેટિવ હોવો જરૂરી છે. આ પ્રવાસીઓએ પોતે આખરે જે દેશ જવાના હોય ત્યાં પણ તેમને પ્રવેશની મંજુરી હોવાના આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે.

આ ઉપરાંત, યુએઈમાં વેલિડ રેસીડેન્સી પરમીટ ધરાવતા હોય તેવા આ દેશોના નાગરિકોએ પણ યુએઈમાં માન્ય હોય તેવી રસીના બન્ને ડોઝ લીધા હોય તો તેમને યુએઈમાં હવે પ્રવેશ અપાશે. એવા લોકોએ યુએઈ આવતા પહેલા પ્રવેશ માટે ઓનલાઈન પરમિટની અરજી કરવાની રહેશે અને રવાના થવાના સમયના 48 કલાક પહેલા આરટી – પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રીપોર્ટ પણ રજૂ કરવાનો રહેશે.

સ્પેઈને કરેલી જાહેરાત અનુસાર યુરોપના શેનજેન વિઝા ધરાવતા લોકોએ પણ સ્પેઈનમાં પ્રવેશ માટે યુરોપમાં માન્ય રસીના બન્ને ડોઝ લીધાના પુરાવા રજૂ કરવાના રહેશે. સ્પેઈનના વિઝા માટે તેની દિલ્હી તેમજ નેપાળની ઓફિસ ખાતે જ હાલમાં અરજીઓ સ્વિકારવામાં આવશે.