પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેન્દ્રીય કેબિનેટે ટેક્સટાઇલ્સ ક્ષેત્ર માટે રૂા.10,683 કરોડની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI ) સ્કીમને બુધવારે મંજૂરી આપી હતી. આ સ્કીમનો હેતુ ઘરેલુ ઉત્પાદન અને નિકાસને વેગ આપવાનો છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના મુખ્ય કેન્દ્ર તરીકે ગુજરાતને સૌથી વધુ લાભ થવાની ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કેબિનેટે રૂા.10,683 કરોડની ફાળવણી સાથે મેન મેઇડ ફાઇબર (MMF) એપેરલ, MMF ફેબ્રિક્સ તથા ટેકનિકલ ટેક્સટાઇલના દસ સેગમેન્ટ, પ્રોડક્ટ્સ માટે PLI સ્કીમ્સને મંજૂરી આપી છે. આ સ્કીમ હેઠળ પ્રોત્સાહનનું માળખું એવી નક્કી કરવામાં આવ્યું છે કે જેનાથી નવી ઉત્પાદન ક્ષમતામાં રોકાણને પ્રોત્સાહન મળે.

ટેક્સટાઇલ માટેની PLI સ્કીમ 2021-22ના કેન્દ્રીય બજેટ દરમિયાન 13 ક્ષેત્રો માટે જાહેર કરવામાં આવેલી સ્કીમનો એક ભાગ છે. સરકારે તે સમયે બજેટમાં રૂા.1.97 લાખ કરોડની ફાળવણી કરી હતી.

ટેક્સટાઇલ્સ માટે આ સ્કીમની જાહેરાતથી દેશમાં ઊંચા મૂલ્યના એમએમએફ ફેબ્રિક, ગાર્મેન્ટ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

એક અંદાજ મુજબ ટેક્સટાઇલ માટે આ સ્કીમ્સની જાહેરાતથી આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં રૂા.19,000 કરોડનું નવું રોકાણ આવશે અને તેનાથી આ સ્કીમ હેઠળ આશરે રૂા.3 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરી શકાશે. તેનાથી આ ક્ષેત્રમાં રોજગારીની 7.5 લાખ તક ઊભી થશે.આ નિર્ણયને આવકતા એપેરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ સક્થીવેલે જણાવ્યું હતું કે આ સ્કીમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ગેમ ચેન્જર બનશે.