વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે અમદાવાદની ખૂબ જ ટૂંકી મુલાકાતે હતા. તેમણે અમદાવાદ નજીક ચાંગોદર ખાતે ઝાયડસ ફાર્મા કંપની દ્વારા તૈયાર થયેલી કોરોની રસીની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પ્લાન્ટની મુલાકાત લીધી હતી. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસ મહામારી માટે વિવિધ દેશો રસી બનાવી રહ્યા છે અને તેનું કાર્ય અંતિમ તબક્કામાં છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીનું સામાન્ય નાગરિકો પર પરીક્ષણ શરૂ થયું છે અને ઝાયડસ ફાર્મા દ્વારા પણ ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે, જેની સમીક્ષા માટે વડાપ્રધાન મોદી સવારે 9 કલાકે અમદાવાદ એરપોર્ટથી સીધા ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચીને તેમણે કંપની દ્વારા વિકસાવાયેલી ટ્રાયલ વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. વડાપ્રધાને ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક કરીને રસી અંગે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત તેમણે રસી તૈયાર કરનાર સાયન્ટિસ્ટ્સ સાથે ચર્ચા કરી હતી. તેમણે PPE કિટ પહેરીને ઝાયડસના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેઓ પ્લાન્ટમાં એકાદ કલાક જેટલો સમય રોકાયા હતાં. પછી તેઓ ચાંગોદર હેલિપેડ પરથી એરફોર્સના હેલિકોપ્ટરમાં એરપોર્ટ પહોંચ્યા હતાં અને ત્યાંથી તેઓ હૈદરાબાદ ગયા હતા અને ત્યાં ભારત બાયોટેકમાં રસીની તૈયારીની સમીક્ષા કરી હતી પછી તેઓ પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ મુલાકાત લેશે.