ભારતની વિસ્તારા એરલાઇન નવા વર્ષથી મુંબઇ-લંડન વચ્ચે ફ્લાઇટ સર્વિસ શરૂ કરશે. આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે, 16 જાન્યુઆરીથી શરૂ થતી આ ફ્લાઇટ માટે બોઇંગ 787-9 ડ્રીમલાઈનર વિમાનનો ઉપયોગ કરાશે. આ એરલાઇન અગાઉથી જ દિલ્હી-લંડન રૂટ પર બોઇંગ 787-9 ડ્રીમલાઈનર ફ્લાઇટનું સંચાલન કરે છે. વિસ્તારા આ રૂટ પર મુંબઇ-લંડન-મુંબઇનું રીટર્ન ભાડું રૂ. 46,799 નક્કી કર્યું છે. જ્યારે લંડન-મુંબઇ-લંડનનું રીટર્ન ભાડું અંદાજે 440 પાઉન્ડ રહેશે.

વિસ્તારાએ તાજેતરમાં દિલ્હીથી દોહા અને દિલ્હીથી બાંગ્લાદેશ વચ્ચે ફ્લાઇટ શરૂ કરી હતી. કોરોના મહામારીને માર્ચથી ભારતમાં શિડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ છે. પરંતુ ભારતે જુલાઈમાં આ દેશોમાં સ્પેશિયલ પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરવા અન્ય 17 દેશો સાથે એર-બબલ કરાર કર્યા છે.

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ કોરોના મહામારીને કારણે 31 ડિસેમ્બર સુધી તમામ પ્રકારની કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ અંતર્ગત ભારતથી અન્ય દેશોમાં જનારી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર જ નહીં પણ અન્ય દેશોમાંથી આવતી કોમર્શિયલ ફ્લાઇટ્સનું સંચાલન કરી શકાશે નહીં. આ વર્ષે કોરોનાને કારણે કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ 23 માર્ચથી સ્થગિત કરવામાં આવી હતી.

એર બબલ અગ્રીમેન્ટ મુજબ બે દેશોના અધિકૃત વિઝા ધરાવતા નાગરિકો કોઈપણ પ્રકારના પ્રતિબંધ વગર એકબીજાના દેશમાં જઈ શકે છે. તેમાં મુખ્યત્ત્વે સરકારી એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરોનો સમાવેશ થાય છે. એટલે કોઇ વ્યક્તિ અમેરિકા જવા ઇચ્છે તો તેણે એર ઈન્ડિયા અથવા બીજા દેશની સરકારી એરલાઇનને પ્રાધાન્ય આપવું પડશે. વિદેશમાં વસતા ભારતીયો વતનમાં પાછા જઇ શકે છે. એગ્રીમેન્ટમાં સામેલ દેશના નાગરિકો બિઝનેસ, મેડિકલ અથવા એમ્પ્લોઈ વિઝા પર ભારતની મુલાકાત લઇ શકે છે.