વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮મી માર્ચ- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના જલાલપોર તાલુકાના વાંસીબોરસી ખાતે આયોજિત ‘લખપતિ દીદી સંમેલન’માં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, પ્રયાગરાજના પવિત્ર મહાકુંભમાં મા ગંગાના આશીર્વાદ મળ્યા અને હવે નવસારીમાં માતૃશક્તિના મહાકુંભમાં લાખો લખપતિ દીદીઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, આ અવસર તેમના જીવનની ગૌરવભરી ક્ષણ છે. તેમણે લખપતિ દીદીઓને સન્માનિત કરતાં કહ્યુ કે, વાર્ષિક એક લાખ કે તેથી વધુની આવક સાથે મહિલાઓ ઉદ્યોગ સાહસિક બની છે અને વિકાસમાં ભાગીદાર બની છે. ભારતની નારીશક્તિએ દેશના વિકાસની બાગડોર સંભાળી લીધી છે, પરિણામે ‘વિકસિત ભારત@૨૦૪૭’નો સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે. વડાપ્રધાને રાજ્યના ૨૫ હજારથી વધુ સ્વસહાય જૂથોની ૨.૫ લાખથી વધુ મહિલાઓને રૂ.૪૫૦ કરોડની સહાય અર્પણ કરી હતી.
લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપીને આર્થિક સક્ષમ બનાવવાના હેતુ સાથે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાને લોન્ચિંગ પણ કર્યું હતું.
વડાપ્રધાને આ સમારોહ માટેના સભા મંડપમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલની સાથે ખૂલ્લી જીપમાં જનમેદની વચ્ચેથી પસાર થતાં લખપતિ દીદીઓનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપરાંત, કાર્યક્રમ સ્થળે આયોજિત ૩૩ જિલ્લાના વિશેષ સખી મંડળોના સ્ટોલ પ્રદર્શન અને નવસારી જિલ્લાના વિશેષ રેઈન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ પ્રદર્શનીની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામવિકાસ વિભાગ) દ્વારા આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ઉપસ્થિત વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની ૧ લાખ મહિલાઓને સંબોધતા વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, લખપતિ દીદી પહેલ એ માત્ર માતાઓ- બહેનોની આવક વધારવાનો પ્રયાસ જ નથી, પરંતુ પરિવાર અને ભાવિ પેઢીઓને મજબૂત બનાવવાનું એક મેગા અભિયાન છે. નારાયણી સમી નારીઓનું સન્માન સમાજ અને દેશના વિકાસનું પ્રથમ પગથિયું હોય છે, ત્યારે દેશ વિમેન લેડ ડેવલપમેન્ટ- મહિલાકેન્દ્રી વિકાસની દિશામાં મક્કમ ગતિથી આગળ વધી રહ્યો છે.
