કોરોના સામેની જંગ લડવા માટેની રણનીતિ અને લોકડાઉનના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્યમંત્રીઓ સાથે બેઠક દરમિયાન કહ્યું કે ભારત આ સંકટમાંથી પોતાને બચાવવા માટે ઘણી હદ સુધી સફળ રહ્યો છે. જોકે, તેમણે આ બેઠકની સતર્કતાને ધ્યાનમાં રાખતા સલાહ આપતા કહ્યું કે, જો સોશિયલ ડિસ્ટન્સિંગની વાતમાં થોડી પણ છૂટછાટ આપવામાં આવશે તો કોરોનાનું સંકટ વધારે વણસસે.

સૂત્રો દ્વારા પ્રાપ્ય માહિતી અનુસાર વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ ને કહ્યું કે તમે તમામ તમારા તરફથી જરૂરી સૂચનો કરી શકો છો તેના આધાર પર જ આગળના પગલા લેવામાં આવશે. તમામ રાજ્યો એક સાથે મળીને કામ કરી રહ્યા છે અને રાજ્યોએ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે.

કેબિનેટ સચિવ, રાજ્યોના સચિવ સાથે સતત સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હજી પણ આપણે વધારે તકેદારી જાળવવાની અને સક્રિયતા વધારવાની જરૂર છે, સોશિયલ ડિસ્ન્સિંગને હળવાશમાં લેવાશે તો પરિસ્થિતિ વણસી જશે.વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે સંતુલિત રણનીતિથી આપણે આગળ વધવાનું છે અને આ રસ્તામાં અનેક પડકારો આવશે જેનો સામનો કરીને આપણે કામ કરવાનું છે.

આપણે લોકડાઉન કેવી રીતે લાગુ કરી રહ્યા છે તે સૌથી મોટો વિષય રહ્યો છે, જેમાં આપણા બધાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. શ્રમિકોની વતન વાપસીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચેપ ના ફેલાય તેની તકેદારી રાખવા વડાપ્રધાન મોદીની રાજ્યોના મુખ્યપ્રધાનોને તાકીદ.

વીડિયો કોન્ફરન્સિંગમાં શ્રમિકોના મુદ્દે વડાપ્રધાને કહ્યું કે અમારો પ્રયત્ન એ જ છે કે જેઓ જ્યાં છે ત્યાં જ રહે. પરંતુ પોતાના ઘરે જવું તે મનુષ્ય માત્રનો સ્વભાવ છે, જેના કારણે અમારે કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરવા પડ્યા છે. શહેરોમાંથી શ્રમિકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે ત્યારે આપણા માટે કોરોના વાયરસ ગામડાઓ સુધી ન પહોંચે તે સૌથી મોટો પડકાર છે.

પ્રાપ્ય માહિતી અનુસાર ગુજરાત, આંધ્ર સહિતનાં રાજ્યોએ લોકડાઉનમાં છૂટછાટની માગણી કરી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કેન્દ્ર પર ભેદભાવનો આક્ષેપ લગાવ્યો છે. બેઠકમાં તમિલનાડુએ આર્થિક પેકેજ માગ્યું, તેલંગણાએ ટ્રેનો શરૂ કરવાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો. તમિલનાડુએ પણ 31 મે સુધી એક પણ ટ્રેન શરૂ નહીં કરવા માટેની માગ કરી.