પ્રતિક તસવીર

પોપી ડે બોમ્બીંગ તરીકે ઓળખાવાતા લીવરપૂલ બોમ્બ બ્લાસ્ટમાં સંડોવાયેલો આત્મઘાતી બોમ્બર ઇમાદ જમીલ અલ સ્વેલમીન જોર્ડનિયન નાગરિક હોવાનું અને તેણે મિત્રોને પોતે સીરિયન પિતા અને ઇરાકી મૂળની માતાનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. તેણે ‘યુકેમાં રહેવાની તેની એસાયલમની વિનંતી વારંવાર નકારી કાઢવામાં આવી હોવાથી બદલો લેવા આ હત્યાકાંડનું કાવતરું ઘડ્યું હોવાનું જણાવ્યું હતું.

ઇમાદ જમીલ અલ સ્વેલમીને એસાયલમ માટે અરજી કરતી વખતે પોતાનું નામ વેસ્ટર્ન લાગે તે માટે બદલીને એન્ઝો અલ્મેની રાખ્યું હતું.  32 વર્ષીય ઇમાદ પિઝા શેફ તરીકે કામ કરતો હતો અને 2014માં મધ્ય પૂર્વથી ભાગીને યુકે આવ્યો હતો અને તેણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

તેને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને છરી રાખવા બદલ 2014માં તેની ધરપકડ કરવામાં આવી હતી. ઇમાદે ‘મધર ઓફ શેતાન’ બોલ બેરિંગ બોમ્બ બનાવ્યો હતો જેનો ઉપયોગ ISISના ઉગ્રવાદીઓ દ્વારા ‘મહત્તમ નરસંહાર કરવા’ માટે કરવામાં આવ્યો હતો. તેણે ચાર વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો.

તે સીરિયન અને ઈરાકી હોવાનો દાવો કરીને બ્રિટન પહોંચ્યો હતો, પરંતુ સુરક્ષા સૂત્રો માને છે કે તે ખરેખર જોર્ડનથી આવ્યો હતો. તેના કેસે હોમ ઑફિસ માટે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, કારણ કે તેને દેશનિકાલ કર્યા વિના ઓછામાં ઓછા સાત વર્ષ સુધી દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

પહેલા તે સટક્લિફ સ્ટ્રીટમાં ખાનગી કોન્ટ્રાક્ટિંગ કંપની સેર્કો દ્વારા સંચાલિત – એસાયલમ સીકરની હોસ્ટેલમાં ત્રણ વર્ષથી રહેતો હતો. લિવરપૂલ, રટલેન્ડ એવન્યુમાં ફ્લેટ ભાડે લેતા પહેલા ‘થોડા સમય માટે’ ઘરને બોમ્બ ફેક્ટરીમાં ફેરવી દીધું હતું. એક વરિષ્ઠ ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ સ્ત્રોતે મિરરને કહ્યું હતું કે ‘’જો તે સફળતાપૂર્વક બોમ્બને હોસ્પિટલમાં અંદર ફેંકી શક્યો હોત તો તે અત્યંત લોહિયાળ અને ભયાનક હોત.

તેનો બોમ્બ હોમમેઇડ TATP વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. TATP અસ્થિર છે અને તેને ‘શેતાનની માતા’ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે આકસ્મિક ફૂટી જાય છે. 2015ના પેરિસ આત્મઘાતી હુમલા, 2017માં માન્ચેસ્ટર એરેના બોમ્બ ધડાકા અને નિષ્ફળ પાર્સન્સ ગ્રીન અંડરગ્રાઉન્ડ સ્ટેશન હુમલામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઇમાદ અલ્મેનીએ તેનો મોટાભાગનો સમય યુકેમાં લિવરપૂલમાં વિતાવ્યો અને આઠ મહિના એગબર્થમાં ખ્રિસ્તી પરિવાર માલ્કમ અને એલિઝાબેથ હિચકોટ સાથે રહ્યો હતો. તેને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાનું અને તાજેતરમાં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો એમ પરિવારે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ બ્રિટીશ આર્મી સૈનિક માલ્કમે જણાવ્યું હતું કે ‘’આ જાણીને મન ‘સુન્ન’ થઇ ગયું હતું. તે ‘સુંદર માણસ’ હતો. તે આગળ કટ્ટરપંથી બની શકે એવું સૂચન કરવા જેવું કંઈ નહોતું.’’

ડિટેક્ટીવ્સ અને MI5 જાસૂસો તપાસ કરી રહ્યા છે કે શું બોમ્બ ધડાકો ઇસ્લામિક પ્રેરિત હુમલો હતો કે કેમ. સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે અલ્મેનીની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તેના હેતુની સમજ માટેની ‘પૂછપરછની મુખ્ય લાઇન’ રહેશે. આતંકવાદી કાયદા હેઠળ ધરપકડ કરાયેલા ચારેય માણસોને પાછળથી કોઈ આરોપ વિના મુક્ત કરવામાં આવ્યા હતા.