‘’અમે આખી જીંદગી પોસ્ટ ઓફિસમાંથી એક પૈસો લીધો નથી. £17,000ની ચોરીનો આરોપ મૂકાયા પછી લગભગ આત્મહત્યા કરવા માટે પ્રેરાયો હતો. હું હજુ પણ વળતરની રાહ જોઈ રહ્યો છું. પણ હું તેમની પાસેથી ન્યાય મળે તે પહેલાં હું મરી જઈશ અને ચાલ્યો જઈશ.’’ એમ પૂર્વ પોસ્ટમાસ્ટર બલજીત સેઠીએ નિવેદન આપતાં જણાવ્યું હતું.

તા. 14ને સોમવારે પુરાવા આપનાર પ્રથમ સાક્ષી હતા. તેમણે સેશન દરમિયાન તેમની બે દાયકાની લાંબી કારકિર્દીનું વર્ણન કર્યું હતું. તેમણે એસેક્સમાં રોમફર્ડ નજીક બે શાખાઓ, તેમની પત્ની અંજના સાથે સફળતાપૂર્વક પેપર એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને ચલાવી હતી.

હોરાઈઝન સીસ્ટમના આગમન પછી એક શાખામાં કોઈ સમસ્યા જણાઇ ન હતી, પરંતુ બીજી શાખામાં £17,000ની ઉણપ જણાઇ હતી. જે તેમને તેમના પોતાના ખિસ્સામાંથી કાઢવા કહેવામાં આવ્યું હતું. સેઠી દંપત્તી પર ક્યારેય આરોપ લગાવવામાં આવ્યો ન હતો, પરંતુ તેમ છતાં તેમને નાણાકીય અને ભાવનાત્મક દુઃસ્વપ્નનો સામનો કરવો પડ્યો હતો.

રડી પડેલા 69 વર્ષીય બલજીત સેઠીએ કહ્યું હતું કે ‘’સિસ્ટમમાં સમસ્યા જોયા પછી ચેમ્સફર્ડ, એસેક્સમાં હેડ ઓફિસ સાથે મેં વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું એકમાત્ર માણસ હતો જે અઠવાડિયાના સાતેય દિવસ, સવારના 8થી રાતના 8 સુધી પોસ્ટ ઓફિસ ચલાવતો હતો. તે દેશની એકમાત્ર પોસ્ટ ઑફિસ હતી જે સાતેય દિવસ ચાલતી હતી. હું જાણતો હતો કે સિસ્ટમમાં કંઈક ખોટું છે પરંતુ કોઈ તે જાણવા માંગતું ન હતું.’’

તેમણે અગાઉ બીબીસીને કહ્યું હતું કે ‘’આ કૌભાંડનો અર્થ એ હતો કે બે પુત્રો અને પુત્રી માટે અમે સારા માતાપિતા બનવા માટે અસમર્થ છીએ.’’