પ્રતિકાત્મક તસવીર (Photo by Hollie Adams/Getty Images)

પોસ્ટ ઑફિસના વિવિદાસ્પદ હોરાઇઝન કમ્પ્યુટર સિસ્ટમની ખામીનો ભોગ બનેલા સેંકડો લોકોને નવી વળતર યોજનામાંથી બાકાત રાખવામાં આવશે અને તેમને વળતરની રકમ ચૂકવવામાં આવશે નહિં. છેલ્લા 15 વર્ષોમાં આઇટી નિષ્ફળતાનો ભોગ બનેલા કેટલાય પોસ્ટ માસ્ટર્સને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા કે તેમને નાદારી કરવામાં આવ્યા હતા અથવા તો ખોટી રીતે દોષીત ઠેરવવામાં આવ્યા હતા. ગયા મહિને ભોગ બનેલા આશરે 2,200 પીડિતોએ ઐતિહાસિક શોર્ટફોલ સ્કીમ માટે દાવા મૂક્યા હતા.

પાછળથી બહાર આવ્યું હતું કે હોરાઇઝન કમ્પ્યુટર સિસ્ટમની ખામીને કારણે ખાતામાંથી પૈસા ‘ગુમ’ કરવા બદલ પોસ્ટ માસ્ટર્સને ચોર ઠેરવવામાં આવ્યા હતા. અમુક સ્થાનિક શાખાઓમાં તો આ ગોટાળાની રકમ £1,00,000 હોવાનું જણાવાયું હતું.

આઇટી કાંડથી અસરગ્રસ્ત દુકાનોના કામદારો અને 555 પોસ્ટ માસ્ટર્સને પોસ્ટ ઑફિસની નવી વળતર યોજનામાંથી બાકાત રાખવામાં આવશે, જેમણે ગયા વર્ષે હાઇકોર્ટની લડાઇ જીતી હતી. ઐતિહાસિક શોર્ટફોલ સ્કીમ માટે આશરે 2,200 પીડિતોએ દાવા મુક્યા હતા પરંતુ હવે પોસ્ટ ઑફિસ કહે છે કે £85 મિલિયનના સમાધાનને કારણે પોસ્ટ માસ્ટર્સ તે માટે અયોગ્ય છે.

ટીકાકારોએ કહ્યું હતું કે તે અન્યાયી અને ચિંતાજનક છે. તે જ સમયે, પોસ્ટ માસ્ટર્સના નવા કોર્ટ પડકારોનો સામનો પોસ્ટ ઓફિસે કરવા કરવો પડે તેમ છે.

ત્રણ બાળકોના પિતા ચિરાગ સિધ્ધપુરાએ દાવો કર્યો હતો કે 2017માં તેમની પોસ્ટ ઓફિસમાં થયેલી £57,000ની ખોટ માટે તેઓ ક્યારેય દોષીત સાબિત થયા નથી. જેને લીધે તેમને ફર્નકોમ્બની શાખામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમણે રાતોરાત બધું ગુમાવ્યું હતું. એવી પણ ચિંતા છે કે પોસ્ટ માસ્ટર્સને તેમની રોકડ મેળવવા માટે ગેગિંગ ક્લોઝીસ પર સહીઓ કરવા દબાણ કરાવવામાં આવે છે, જેને નોન-ડિક્લોઝર કરાર તરીકે ઓળખવામાં આવે છે.

ગત મહિને ઐતિહાસિક શોર્ટફોલ સ્કીમ અરજદારો માટે બંધ થઈ ગઈ હતી. 2,200 જેટલા ભોગ બનેલા લોકોએ દાવા મુક્યા છે પણ કુલ સંખ્યા 2,755 કરતા વધારે થઈ ગઈ છે. પરંતુ સરકારની માલિકીની પોસ્ટ ઑફિસનું કહેવું છે કે હાઇકોર્ટમાં £58 મિલિયનમાં પતાવટ કરનાર પોસ્ટમાસ્ટરો આ યોજના માટે પાત્ર નથી.

મેકકોલ, ડબલ્યુએચ સ્મિથ અને કો-ઓપની પોસ્ટ ઓફિસમાં કામ કરતા કામદારો પણ લાયક નથી કારણ કે તેમનો મ્પોલયમેન્ટ કોન્ટ્રેક્ટ તે કંપની સાથે હતો.

ટોરી પીઅર લોર્ડ આર્બુથનોટે કહ્યું હતું કે ‘આ વળતર યોજના, ખરેખર જેને જરૂર છે અને જેઓ પાત્ર છે તેમને સાચુ વળતર આપવાને બદલે પોસ્ટ ઑફિસના ચહેરાને બચાવવા માટે બનાવાઇ છે.  લેબરના ભૂતપૂર્વ કાયદાકીય પ્રવક્તા કાર્લ ટર્નર, એમપીએ એ કહ્યું હતું કે ‘આ જોખમ હજી વધુ દગો આપશે.’

2015માં પોસ્ટ માસ્ટર્સનો વિશ્વાસ ગુમાવ્યા પછી અગાઉની મધ્યસ્થતા પડી ભાંગી હતી. જૂન માસમાં, ખોટા હિસાબો, ચોરી અથવા છેતરપિંડી બદલ દોષિત સાબિત 47 કેસોને અપીલ કોર્ટમાં મોકલવામાં આવ્યા હતા જ્યારે પોસ્ટ ઑફિસ 960 દોષિતોની સમીક્ષા કરી રહી છે.

પોસ્ટ ઑફિસે કહ્યું હતું કે તે દાવાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ છે.