આખરે ન્યાય મળ્યો (Photo: iStock)

કહેવાતા છેતરપિંડી, ચોરી અને ખોટા હિસાબો રજૂ કરવા બદલ દોષિત ઠરાવાયેલા ડઝનબંધ ભૂતપૂર્વ સબ-પોસ્ટ માસ્ટર્સ અને પોસ્ટમિસ્ટ્રેસ સામેના કેસોને કોર્ટ ઓફ અપીલમાં મોકલવામાં આવતા અને અન્ય લોકો સામેના ચૂકાદા અંગે પણ અદાલતમાં અપીલ કરી શકશે તેવી આશા બંધાતા પોસ્ટ માસ્ટર્સ ‘આનંદીત’ થઇ ઉઠ્યા છે. કૌભાંડ કરવાના આરોપ બદલ દોષીત સાબીત થયેલા પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રા વિરુદ્ધના કેસની પણ કોર્ટમાં સુનાવણી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પોસ્ટ ઑફિસ દ્વારા નવી કોમ્પ્યુટર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવ્યા બાદ કેટલાક સબ-પોસ્ટ માસ્ટર્સ અને પોસ્ટમિસ્ટ્રેસ સામે પૈસા ચોરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ક્રિમીનલ કેસ રિવ્યુ કમિશનને જણાયુ હતુ કે પ્રોસિક્યુશન્સ દ્વારા કાર્યવાહીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. કુલ 61માંથી 39 કેસ અપીલ માટે રીફર કરવામાં આવ્યા છે અને બાકીના કેસ હજૂ સ્ક્રુટીનીમાં છે.

ભૂતપૂર્વ સબ-પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રાને ચોરીના આરોપ બદલ દોષીત ઠેરવી 2010માં જેલમાં મોકલી દેવામાં આવી હતી. ત્યારે તે તેના બીજા બાળક સાથે ગર્ભવતી હતી. તેમનો કેસ પણ અપીલ કોર્ટમાં મોકલવામાં આવ્યો છે.

શ્રીમતી મિશ્રાએ કહ્યું હતુ કે ‘’હું અપીલની સુનાવણીના સમાચાર સાંભળીને ખુબ ખુશ છું અને મારા આનંદને રજૂ કરવા કોઈ શબ્દ નથી. સંસ્કૃતમાં કહે છે કે સત્યમેવ જયતે એટલે કે સત્યનો હંમેશા વિજય થાય છે અને અમે તેમાં હંમેશાં વિશ્વાસ રાખતા હતા.”

ક્રિમીનલ કેસ રિવ્યુ કમિશનના અધ્યક્ષ, હેલેન પિચરે જણાવ્યું હતું કે, “એક જ સમયે અપીલ માટે આટલા બધા કેસ મોકલવામાં આવ્યા હોય તેવો સૌથી મોટો બનાવ છે.

સબ-પોસ્ટ માસ્ટર્સ અને પોસ્ટમિસ્ટ્રેસ સાથેના લાંબા સમયથી ચાલતા વિવાદના સમાધાન માટે ગત ડિસેમ્બરમાં પોસ્ટ ઑફિસ લગભગ £58 મિલિયન ચૂકવવા માટે સંમત થયા પછી આ જાહેરાત કરાઇ છે.

1999થી લોકલ પોસ્ટ ઑફિસના નાણાકીય વ્યવસ્થાપન માટે વપરાતી હોરીઝોન આઇટી સિસ્ટમની ખામીને કારણે પોસ્ટમાસ્ટર્સ પર ખોટી રીતે છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો.