નોર્થ વેસ્ટ લંડનના બ્રેન્ટમાં આવેલા નીસ્ડન સ્થિત શ્રી BAPS સ્વામિનારાયણ મંદિરની બહારના ભાગે આવેલા રોડ ‘મેડો ગાર્થ’ના કેટલાક ભાગનું નામ બદલીને ‘પ્રમુખ સ્વામી રોડ’ કરવાનું તા. 12 ઑક્ટોબરના રોજ બ્રેન્ટ કાઉન્સિલની કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. કાઉન્સિલે બ્રેન્ટમાં “આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન” તરીકે મંદિરની સ્થિતિ તેમજ બરોમાં તેના યોગદાનને સ્વીકાર્યું હતું.

બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મોહમ્મદ બટ્ટે કેટલાક સ્થાનિક લોકોની ચિંતાઓની પ્રશંસા કરે છે તેમ જણાવી રોડનું નામ બદલવું એકંદરે સકારાત્મક પગલું હશે તેમ જણાવ્યું હતું. આપણે સમાજમાં એક તબક્કે છીએ જ્યાં આપણે સમુદાયના મુદ્દાઓની સંપૂર્ણ ચર્ચા કરીશું. બ્રેન્ટ હંમેશાં આવકારદાયક સમુદાય રહ્યો છે. તેની વિવિધતા તેને અનન્ય બનાવે છે અને તે જ તેને સફળ બરો બનાવે છે. આપણા બધા સમુદાયોની સિધ્ધિઓને માન્યતા આપવી એ એક રીત છે જેથી આપણે એક સુસંગત સમાજ બનાવી શકીએ.”

ડડન હિલ વોર્ડનું પ્રતિનિધિત્વ કરનાર કાઉન્સિલર ક્રુપેશ હિરાણીએ આ પગલાનું સ્વાગત કરી યુરોપના સૌથી મોટા હિન્દુ મંદિરને વૈશ્વિક મહત્વના સ્થળ તરીકે મંદિરનું વર્ણન કર્યું હતું. રસ્તાના નામના બદલાવને “સકારાત્મક યોગદાન” સાથે સંકળાયેલુ જોતા સારુ લાગે છે તેમ જણાવ્યું હતું.

પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પ્રમુખ અને સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક અનુગામી હતા. તેમનું 2016માં 94 વર્ષની વયે અવસાન થયું હતું.

સ્થાનિક રહીશોની મિલકતો દ્વારા આ અંગે કેટલીક ચિંતાઓ રજૂ કરવામાં આવી હતી. બ્રેન્ટફિલ્ડ પ્રાઇમરી સ્કૂલના પ્રતિનિધિઓએ ચેતવણી આપી હતી કે કોઈપણ ફેરફાર તેના સરનામાંને વિભાજિત કરશે અને સૂચન કર્યું હતું કે “તે આપણા સમુદાય અથવા શાળા સમુદાયને પ્રતિબિંબિત કરતું નથી”. લંડન ફાયર અને ઇમરજન્સી પ્લાનિંગ ઓથોરિટીએ કહ્યું હતું કે સૂચિત નવા નામની જોડણી અને ઉચ્ચારણ “કટોકટીવાળીની સ્થિતિમાં મૂંઝવણ અને સંભવિત વિલંબનું કારણ બની શકે છે.”

નામ બદલવા અંગેનું “માર્ગદર્શન જણાવે છે કે નામનું ઉચ્ચારણ કરવું મુશ્કેલ હોવું જોઈએ નહીં અથવા સ્પેલીંગ કરવા માટે માટે તે અઘરૂ હોવું જોઈએ નહીં. તેમ છતાં, બ્રેન્ટની વસ્તીની વૈવિધ્યસભર પ્રકૃતિને પણ સ્વીકારવી જોઈએ અને, બ્રેન્ટના સમુદાયના વિવિધ ભાગોની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરવા માટે, કેટલીક શેરીના નામો વિવિધ સંસ્કૃતિઓ અને ભાષાઓને પ્રતિબિંબિત કરવા જોઈએ.”

તેમાં ઉમેરવામાં આવ્યું છે કે કાઉન્સિલને એકમાત્ર ખર્ચ, કોઈપણ સ્ટ્રીટના ચિહ્નોને બદલવાનો રહે છે જે બોર્ડ દીઠ માત્ર £150 જેટલો હોય છે.