NHS Nightingale Hospital Birmingham (Photo by Jacob King - WPA Pool/Getty Images)

બ્રિટનને કોવિડ-19થી થતા મૃત્યુમાં અનિવાર્ય વૃદ્ધિને રોકવા માટે તબીબી વડાઓએ સોમવારે સવારે ત્રણ નાઇટિંગલ હોસ્પિટલો સ્ટેન્ડબાય પર મુકી હતી. માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ અને હેરોગેટના સ્થાનિક એકમોને આવતા કેટલાક અઠવાડિયામાં દર્દીઓ લેવાની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે અને હોટસ્પોટ્સમાં એનએચએસ સ્ટાફના નિયમિત ટેસ્ટ કરવામાં આવશે.

ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર પ્રોફેસર જોનાથન વેન-ટેમે કોવિડ કેસોમાં “માર્ક્ડ પીકઅપ ” દર્શાવતા ગ્રાફ રજૂ કર્યા હતા. કેસોની સંખ્યા નોર્થમાં સૌથી વધુ રહી છે અને તેની અસર સાઉથમાં પણ થઇ રહી છે. હવે દરેક નાગરિક પર આ વાયરસને હરાવવા અને તેને ફરીથી અંકુશમાં લાવવામાં પોતાનો ભાગ ભજવવાની એક વિશાળ સામૂહિક જવાબદારી છે. તેમણે ચેતવણી આપી હતી કે “વૃદ્ધો કોવિડ-19નો વધુ ખરાબ ભોગ બને છે. તેઓ લાંબા સમય માટે હોસ્પિટલમાં દાખલ રહે છે અને તેમને બચાવવા વધુ મુશ્કેલ છે.”

એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે ‘’સરકારે 23 માર્ચે લોકડાઉન પ્રતિબંધ જાહેર કર્યા કરતાં હાલમાં કોવિડ-19 હોસ્પિટલમાં વધુ દર્દીઓ છે. 60 અને ખાસ કરીને 85થી વધુ વયના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની સંખ્યામાં સીધો વધારો જોવા મળી રહ્યો છે. લિવરપૂલ યુનિવર્સિટી હૉસ્પિટલ્સ ટ્રસ્ટમાં 250થી વધુ કોરોનાવાયરસ દર્દીઓ છે. તેનો અર્થ એ છે કે ચેપ વધવાનું ચાલુ રહેશે અને પછી હોસ્પિટલમાં પ્રવેશ અને આરોગ્ય સેવાઓ પરની અસર રાત દિવસ વધતી જશે. માન્ચેસ્ટર, સન્ડરલેન્ડ અને હેરોગેટની નાઇટિંગલ હોસ્પિટલોને તૈયારી માટે કહેવાયું છે. જો દેશના અન્ય ભાગોમાં ચેપના દરો વધશે તો અમે અન્ય નાઇટિંગેલ્સ સાથે વાત કરીશું.