centenary festival of Santavibhuti Brahmasvarup Pramukhswami Maharaj
0.9.142

લોકસેવા, સંસ્કૃતિ પ્રસાર અને અધ્યાત્મના ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર મહાન સંતવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આગામી 15 ડિસેમ્બરથી અમદાવાદના આંગણે દેશ-પરદેશના હરિભક્તો અને મહાનુભાવોનો મિનિ-કુમ્ભમેળો યોજાશે.

બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા બીએપીએસના સાધુ અક્ષરવત્સલદાસજી અને સાધુ વિવેકજીવનદાસજીએ શનિવાર, 5 નવેમ્બરે જણાવ્યું હતું કે, ‘બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ’ એ જીવનસૂત્ર જીવનાર પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ, તા. 15 ડિસેમ્બર, 2022થી તા. 15 જાન્યુઆરી, 2023 દરમ્યાન, એક મહિના દરમ્યાન ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. સમાજના દરેક સ્તરમાંથી દેશ-વિદેશના લાખો લોકો પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક ભાવાંજલિ અર્પવા આ મહોત્સવમાં ઊમટશે. આ મહોત્સવ સાચા અર્થમાં પવિત્ર પ્રેરણાઓનો મહોત્સવ બની રહેશે, જ્યાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વૈશ્વિક જીવન-કાર્ય-સંદેશ તેમજ સનાતન સાંસ્કૃતિક મૂલ્યો વિવિધ માધ્યમો દ્વારા પ્રસ્તુત થશે, જે 5 લોકોને જીવન ઘડતરની પ્રેરણાઓથી છલકાવશે.

આંતરરાષ્ટ્રીય સ્તરે માનવસેવા અને સંસ્કાર-સિંચનનું અભિયાન ચલાવતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ આ મહોત્સવનું આયોજન કર્યું છે. આ સંસ્થાએ શિક્ષણ, આરોગ્ય, રાહત કાર્ય, આદિવાસી-પછાત ઉત્કર્ષ, બાળ-યુવા સંસ્કાર, મહિલા ઉત્કર્ષ વગેરે સેવાઓ દ્વારા વિશ્વભરમાં લોકચાહના મેળવી છે. અનેકવિધ સામાજિક-પ્રાકૃતિક આપત્તિઓના સમયમાં આ સંસ્થાએ નિઃસ્વાર્થ ભાવે સહાયનો હાથ લંબાવ્યો છે. વિરાટ પાયે સાંસ્કૃતિક મહોત્સવો ઊજવીને સંસ્થાએ લાખો લોકોને જીવનઘડતરની પ્રેરણા આપી છે.

પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહોત્સવના પ્રેરણાસ્રોત

અક્ષરવત્સલસ્વામીએ વધુમાં જણાવ્યું કે, આ ઉત્સવના પ્રેરણાસ્રોત છે – પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી છે. આધ્યાત્મિકતાના ઉચ્ચ શિખર પર બિરાજમાન હોવા છતાં નમ્રતા, ધર્મનિષ્ઠા અને ભક્તિના ગૌરવથી શોભતા મહંત સ્વામી મહારાજ સનાતન ધર્મના સંત-મહિમાનું જાણે મૂર્તિમંત સ્વરૂપ છે. તેમની નિશ્રામાં ઉજવાઈ રહેલા આ મહોત્સવમાં ઊમટીને ભારત અને વિદેશના લાખો લોકો પવિત્ર પ્રેરણાઓથી હર્યાભર્યા બનશે.

આ મહોત્સવના ભવ્ય આયોજનની વીગતો આપતાં તેમણે કહ્યું કે, એક મહિના પર્યંત ચાલનારા આ અપૂર્વ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે. આ મહોત્સવ સ્થળના કેટલાક આકર્ષણો આ મુજબ છેઃ

કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વારો

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ માટે કુલ 7 કલામંડિત સાંસ્કૃતિક પ્રવેશદ્વારોની રચના કરવામાં આવી છે, જે મહોત્સવ સ્થળે પધારતા સૌનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. સરદાર પટેલ રીંગ રોડ પરથી પ્રમુખસ્વામી મહારાજ નગરનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર જોઈ શકાય છે, જે 280 ફૂટ પહોળું અને 51 ફૂટ ઊંચું છે. આ પ્રવેશદ્વાર ભારતીય સંસ્કૃતિના મહાન જ્યોતિર્ધર સંતોની યાદ અપાવે છે. મહોત્સવ સ્થળની બંને બાજુએ એક વિશાળ પાર્કિંગ હશે, જેમાંથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’માં પ્રવેશ કરાવતાં અન્ય છ પ્રવેશદ્વાર પણ કળા-કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂના રૂપ છે. 116 ફૂટ લંબાઈ અને 38 ફૂટ ઊંચાઈ ધરાવતા આ દરેક પ્રવેશદ્વાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ વ્યક્તિત્વ અને જીવનરેખાની સ્મૃતિઓ કરાવશે.

વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શન ખંડો

પ્રમુખસ્વામી મહારાજ નગરના મધ્ય માર્ગની બંને બાજુએ પાંચ પ્રદર્શનોની અનોખી પ્રસ્તુતિઓ છે. આ પ્રદર્શન ખંડો આપણા શાશ્વત મૂલ્યોની પ્રેરણા આપશે. નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવનઘડતર, પારિવારિક શાંતિ, વ્યસનમુક્તિ અને રાષ્ટ્ર સેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિઓ દ્વારા દર્શનાર્થીઓ અહીં પ્રેરણાથી હર્યાભર્યા બનશે.

ટેલેન્ટ શો

મહોત્સવ સ્થળે બાળકો-યુવાનોની શક્તિઓને ખીલવતા વિવિધ ટેલેન્ટ શો પણ યોજાશે. તે માટે અલગ અલગ બે મંચ રચવામાં આવ્યા છે. અહીં વ્યક્તિગત અને સમૂહગાન, શાસ્ત્રીય અને સુગમ સંગીત, વાદ્યસંગીત, યોગ પ્રસ્તુતિ તેમજ વિવિધ સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરીને બાળકો-યુવાનો-યુવતીઓ સૌને આનંદની સાથે કળા-કૌશલ્યની તેમજ સાંસ્કૃતિક પ્રેરણાઓ આપશે. લગભગ 150થી વધુ બાળકો-યુવકો આ રજૂઆત માટે છેલ્લા 3 મહિનાથી તાલીમ લઈ રહ્યા છે.

મહિલા મંચ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ

મહોત્સવ સ્થળે મહિલા ઉત્કર્ષની અનેકવિધ ગતિવિધિઓ માટે ‘મહિલા ઉત્કર્ષ મંડપમ્’ રચવામાં આવ્યો છે, જ્યાં સતત એક મહિના સુધી મહિલા ઉત્કર્ષના ભાતીગળ કાર્યક્રમો, પરિષદો તેમજ રજૂઆતો થશે. મહિલાઓ, યુવતીઓ, બાલિકાઓ દ્વારા રજૂ થનાર આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહીને ભારત અને વિદેશના અનેક મહિલા મહાનુભાવો કાર્યક્રમને શોભાવશે.

યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવિધ કાર્યક્રમો

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિશાળ યજ્ઞપુરુષ સભાગૃહ રચવામાં આવ્યો છે, જ્યાં એક મહિના સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંતો-મહંતો, વક્તાઓ, મહાનુભાવો વગેરે દ્વારા પ્રેરણાદાયી, ચિંતનશીલ પ્રવચનો, ભક્તિમય સંગીત અને અન્ય હૃદયસ્પર્શી રજૂઆતોથી મંચ ગુંજી ઊઠશે.

જ્યોતિ ઉદ્યાનની રંગબેરંગી પ્રેરણાત્મક રચના (ગ્લો ગાર્ડન)

મહોત્સવ સ્થળના કેન્દ્રમાં અક્ષરધામ મહામંદિરની ચારે તરફ સુશોભિત એક અનુપમ થીમેટિક પાર્ક દરેકની આંખોને રંગબેરંગી રચનાઓથી ઠારશે. એ છે જ્યોતિ ઉદ્યાન. આ એક એવો ઉદ્યાન છે, જ્યાં દિવસ કરતાં રાત વધુ સોહામણી હશે. અહીં અલગ અલગ પ્રકારનાં ફૂલો, પ્રાણીઓ, પક્ષીઓની ભાતીગળ જ્યોતિર્મય રચનાઓ, બોધકથાઓ, સંસ્કૃતિ અને શાસ્ત્રોનો શાશ્વત સંદેશ આપશે. આ જ્યોતિ ઉદ્યાન મહોત્સવ સ્થળનું એક અનુપમ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.

લેન્ડસ્કેપ

અનેકવિધ પર્યાવરણ સેવાઓ કરનાર પ્રમુખસ્વામી મહારાજે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણથી લઈને અનેકવિધ જનજાગૃતિ અભિયાનો યોજ્યાં હતાં. એટલે જ તેઓના શતાબ્દી મહોત્સવમાં વૃક્ષો અને રંગબેરંગી ફૂલછોડની આકર્ષક બિછાત બિછાવવામાં આવી છે.

સર્વધર્મ સંવાદિતાનું પ્રયાગતીર્થ

‘પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે જ ધર્મ’ – ધર્મની આ અનોખી વ્યાખ્યા આપીને સમાજમાં સર્વ ધર્મ-આદરની જાગૃતિ માટે સતત પ્રયાસ કરનાર પ્રમુખસ્વામી મહારાજે દરેક ધર્મની આસ્થા અને પરંપરાને આદર આપ્યો છે. સનાતન હિંદુ ધર્મના એક સ્તંભ તરીકે તેમણે બૌદ્ધ, જૈન, શીખ, ખ્રિસ્તી, યહૂદી, મુસ્લિમ કે અન્ય ધાર્મિક પરંપરાઓ અને ઘણા દેશોના દિગ્ગજો સાથે સંવાદ સાધ્યો છે. તેથી જ પ્રમુખસ્વામી મહારાજનો આ શતાબ્દી મહોત્સવ તમામ ધર્મોનું પ્રયાગ તીર્થ બનશે.

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વત્ પરિષદો

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અનેકવિધ ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાનો દ્વારા સમાજના હિત માટે સંશોધનકારો અને વિદ્વાનોને પ્રોત્સાહિત કર્યા હતા. આથી, શતાબ્દી મહોત્સવના ઉપક્રમે મહોત્સવ સ્થળે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની એકેડેમિક કોન્ફરન્સ-વિદ્વત્ પરિષદો યોજાશે, જેમાં ભાગ લઈને વિદ્વાનો વિવિધ વિષયો પર શોધ પ્રબંધો પ્રસ્તુત કરશે.

પ્રેમવતી ઉપાહાર ગૃહ

મહોત્સવ સ્થળે દર્શનાર્થીઓને રાહત દરે પરંપરાગત શાકાહારી વાનગીઓ અને રિફ્રેશમેન્ટ મળી રહે તે માટે ઠેર ઠેર પ્રેમવતી ઉપાહાર ગૃહ સજ્જ રહેશે.

1100 સંતો, 70,000 સ્વયંસેવકો ખડેપગે રહેશે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અસંખય લોકો પર સ્નેહ વરસાવી તેમનામાં સેવા અને સમર્પણની અપાર શક્તિને જગાવી છે. પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમથી પોતાનું જીવન સમર્પિત કરનારા 1100 થી વધુ સુશિક્ષિત સંતોનો વિશાળ સમુદાય અને કુલ 70 હજારથી વધુ સ્વયંસેવકો આ મહોત્સવ દરમ્યાન રાત-દિવસ સેવા આપશે. કુલ 45 જેટલા વિભાગ દ્વારા આ મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

two × 5 =