New Delhi, Jan 31 (ANI): President Ram Nath Kovind, Prime Minister Narendra Modi and Union Minister of Parliamentary Affairs Pralhad Joshi walk in procession to the Central Hall of the Parliament ahead of the commencement of the Budget Session, 2022, in New Delhi on Monday. (ANI Photo/Mohd Zakir)

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે સોમવાર, 31 જાન્યુઆરીએ સંસદના બજેટસત્રનો પ્રારંભ થયો હતો. સંસદનાં બંને ગૃહોને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ કોરોના મહામારી દરમિયાન ચલાવવામાં આવી રહેલી સરકારની યોજનાઓની અને સરકારની વિવિધ સિદ્ધીઓની માહિતી આપી હતી. તેમના ભાષણમાં ખેડૂતો, મહિલાઓથી લઈને ત્રિપલ તલાક સુધીના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો.

ભાષણના પ્રારંભમાં કોવિંદે જણાવ્યું હતું કે હું દેશના તે લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરું છું, જેમણે પોતાના કર્તવ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને ભારતને તેના અધિકાર અપાવ્યા. આઝાદીનાં આ 75 વર્ષમાં દેશની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપનારા તમામ મહાનુભવોનું હું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરું છું. હું પ્રત્યેક હેલ્થ અને ફ્રન્ટલાઈનવર્કર, દરેક દેશવાસીઓને અભિનંદન આપું છું.

કોરોના મહામારી દરમિયાન સરકારના પગલાંનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણે એક વર્ષથી પણ ઓછા સમયમાં 150 કરોડથી પણ વધુ વેક્સિનના ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો છે. દેશમાં 70 ટકાથી વધુ લોકોએ એક ડોઝ લીધો છે. આ મહિનાના વેક્સિન પ્રોગ્રામમાં 15 વર્ષથી વધુની ઉંમરનાં કિશોર-કિશોરીઓને પણ વેક્સિન અપાઈ રહી છે. પ્રિકોશન ડોઝ પણ અપાઈ રહ્યો છે. હાલ 8 વેક્સિન દેશમાં અપાઈ રહી છે. ભારતમાં બનેલી વેક્સિન વિશ્વમાં કામ કરી રહી છે. મારી સરકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરી રહી છે.પ્રધાનમંત્રી આયુષ્માન સ્વાસ્થ્ય મિશનની મદદથી 80 હજારથી વધુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખૂલ્યાં છે. સરકારે 8000થી વધુ જન ઔષધિ કેન્દ્ર બનાવ્યાં છે, જે ઘણું મોટું પગલું છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ખેડૂતોની આવક માટે નવા માધ્યમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કૃષિ સાથે સંકળાયેલી નિકાસમાં રેકોર્ડ વધારો થયો છે. કિસાન રેલના કારણે ખેડૂતોને ફાયદો થયો છે. નાના કિસાનો (કુલના 80 ટકા)ના હિતોને સરકારે પ્રાથમિકતા આપી છે. સરકાર ઓર્ગેનિક ખેતી જેવા પ્રયોગો પણ કરી રહી છે. અટલ ભૂ જલ યોજનાના કારણે 64 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા વિકસિત કરવામાં આવી છે.

મહિલા સશક્તિકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દા પર ખાસ ધ્યાન આપી રહી છે. યુવતીના લગ્નની ઉંમર યુવકને સમાન હશે. હવે સૈનિક શાળાઓમાં પણ યુવતીઓને પ્રવેશ મળે છે. સરકારે ત્રણ તલાકને કાયદેસર ગુનો જાહેર કરીને સમાજને આ કુપ્રથામાંથી મુક્ત કરવાની શરૂઆત કરી છે. મુસ્લિમ મહિલાઓ પરના ફક્ત મેહરમ સાથે હજ યાત્રા કરવા જેવા પ્રતિબંધો પણ હટાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભારતમાં ઈન્ટરનેટની કિંમત સૌથી ઓછી છે અને 5જી પર ઝડપથી કામ ચાલુ છે. ભારતમાં સ્ટાર્ટઅપ ઝડપથી વધી રહ્યા છે જેથી દેશમાં રોજગારી વધશે. ભારતનો ફોરેક્સ રિઝર્વ 630 બિલિયન ડોલર છે. ભારતમાં વિદેશી રોકાણ ઝડપથી વધી રહ્યા છે. નિકાસ પણ ઝડપથી વધી રહી છે. સરકારના નિરંતર પ્રયત્નોના કારણે ભારત ફરી એક વખત વિશ્વના સર્વાધિક ઝડપથી વિકસિત થઈ રહેલા અર્થતંત્રોમાંથી એક બન્યું છે. આ નાણાકીય વર્ષના પ્રથમ 7 મહિનામાં 48 બિલિયન ડોલરનું વિદેશી રોકાણ આવે તે એ વાતનું પ્રમાણ છે કે આંતરરાષ્ટ્રીય રોકાણકારો ભારતના વિકાસ અંગે આશ્વસ્ત છે.