ટીયર 5 ધાર્મિક પૂજારીઓના વિઝા મેળવવામાં થઇ રહેલા “ગંભીર વિલંબ”ને કારણે ઘણા મંદિરો બંધ થઈ રહ્યા હોવાથી અથવા મંદિરો દ્વારા ઓછી સેવાઓ ઓફર કરાતી હોવાના કારણે હેરો વેસ્ટના લેબર એમપી અને ઓલ પાર્લામેન્ટરી ગ્રુપ ફોર બ્રિટિશ ગુજરાતીઝના અધ્યક્ષ ગેરેથ થોમસે હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીને પત્ર લખીને તેમના હસ્તક્ષેપની માંગ કરી છે.

શ્રી થોમસે ‘ગરવી ગુજરાત’ને કહ્યું હતું કે “મંદિર આપણા સમુદાયોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ સમસ્યાઓને કારણે ઘણાને તેમના કલાકો ઘટાડવા પડ્યા છે. હું હોમ સેક્રેટરીને ટીયર-5 ધાર્મિક પૂજારીના વિઝાની આસપાસની સમસ્યાઓ અને મંદિરોએ ઉઠાવેલા ચોક્કસ કેસોની તપાસ કરવા આહ્વાન કરું છું.”

બુધવાર તા. 17ના રોજ લખેલા પત્રમાં શ્રી થોમસે જણાવ્યું હતું કે “પૂજારીઓ સમુદાય માટે મહત્વપૂર્ણ છે. કારણ કે તેઓ માત્ર મંદિરોમાં પ્રાર્થના કે સેવાઓનું નેતૃત્વ જ નથી કરતા, તેમને અન્ય ધાર્મિક કાર્યક્રમો, વાસ્તુ, કથા અને લગ્ન સમારોહ માટે બોલાવવામાં આવે છે. હું યુકેમાં 20 હિંદુ મંદિરોનું પ્રતિનિધિત્વ કરતા મંદીર્સ યુનાઇટેડ ગૃપને મળ્યો હતો. હું આ પ્રશ્નનો નિવેડો આવે તે માટે આપને એક નિષ્ણાત પેનલની સ્થાપના કરવા વિનંતી કરૂ છું.’’

પત્રમાં શ્રી થોમસે જણાવ્યું હતું કે “મંદિરો ઘણીવાર ધાર્મિક પૂજારીઓ વગર જોવા મળે છે અને મંદિરો તેમના વગર રોજબરોજની પૂજા વગેરે માટે સંઘર્ષ કરે છે. બે-વર્ષના આ વિઝા અસ્થાયી હોય છે જેને લંબાવવાનો કોઈ વિકલ્પ નથી. તેથી મંદિરોએ તેમના પૂજારીના વિઝા સમાપ્ત થાય તે પહેલાંના છ મહિનામાં નવા પૂજારીની શોધ કરવી પડે છે. મંદિરના પ્રતિનિધિઓએ રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે યુકેમાં કોઈ ગુરુકુળ (ધાર્મિક શાળાઓ) કે હિન્દુ ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ નથી જ્યાંથી તેઓ કામદારોની ભરતી કરી શકે. પરિણામે, મંદિરો રેસિડેન્ટ લેબર માર્કેટ ટેસ્ટ પૂરો કરી શકાતા નથી, અને મંદિરોએ તેમની પસંદગી પ્રક્રિયા શરૂ કરવા અને ઇન્ટરવ્યુ લેતા પહેલાં ત્રીસ દિવસ રાહ જોવી પડે છે. મંદિરોને લાગે છે કે તેઓ લાંબા વિલંબનો સામનો કરી રહ્યા છે અને ત્યાં કોઈ સરળતાથી ઉપલબ્ધ હોટલાઇન નથી કે તેઓ તેમની અરજી વિશે હોમ ઑફિસમાં વાત કરી શકે.”

મંદિર યુનાઈટેડ ગ્રૂપ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવા વિકલ્પ સાથે ત્રણ વર્ષ માટેના ટીયર 5 વિઝાની માંગ કરી રહ્યા છે. APPGને કરાયેલ રજૂઆતમાં અરજીઓની પ્રક્રિયામાં વિલંબ, વિઝાના ખર્ચમાં વધારો અને અનુવાદક સ્ટાફની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને વિઝા નકારવામાં આવ્યા હતા.

બર્મિંગહામના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે જણાવ્યું હતું કે ‘’ધાર્મિક પૂજારીને વિઝા નહિં આપવામાં વિલંબને કારણે ગયા વર્ષે મંદિરને બંધ કરવું પડ્યું હતું. મંદિરે ફરિયાદ કરતા પૂજારીને વિઝા અપાયા હતા પણ તેમની પત્નીને નહીં. આ અંગે કોઈ ખુલાસો કરાયો ન હતો.

અન્ય એક ઉદાહરણમાં, જ્યારે બર્મિંગહામના શ્રી રામ મંદિરે બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ (BRP) પર અચોક્કસ અંતિમ તારીખ વિશે ફરિયાદ કરતાં તેમને જાણ કરાઇ હતી કે તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે છ મહિના સુધી કંઈ થયું નહતું. વધુમાં, મંદિરે આ સેવા માટે લગભગ £6,000 ચૂકવ્યા હતા.

ક્રોલીના ગુર્જર હિન્દુ યુનિયન ટેમ્પલે જણાવ્યું હતું કે £262 ચૂકવ્યા પછી પણ તેને ‘પ્રાયોરિટી સર્વિસ’ મળી ન હતી. તો શ્રીજીધામ હેવેલી, લેસ્ટરની અરજી ગુજરાતીમાં લેવાયેલ ઇન્ટરવ્યુનું યોગ્ય ભાષાંતર કરાયું ન હોવાથી ગયા સપ્ટેમ્બરમાં ફગાવી દેવાઇ હતી. હોમ ઓફિસે હવે ઇન્ટરવ્યુની સ્ક્રિપ્ટ માંગી છે.

પૂજારી અને તેના પરિવારના સભ્યોને વિઝા આપવામાં વિલંબ કરાયો હોવાથી શ્રી કૃષ્ણ મંદિર, વેસ્ટ બ્રોમીચના સંચાલકોને ગયા વર્ષે મહત્વપૂર્ણ હિંદુ તહેવારોમાં ધાર્મિક વિધિઓ માટે વોલંટીયર્સ પર આધાર રાખવો પડ્યો હતો. નિર્ધારિત 15 દિવસને બદલે વિઝા મેળવવામાં પાંચ મહિનાનો સમય લાગ્યો હતો.

LEAVE A REPLY

15 + ten =