વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મહંત સ્વામી મહારાજ પણ નજરે પડે છે. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 14 ફેબ્રુઆરીએ વૈદિક મંત્રોચ્ચાર અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની પાવન ઉપસ્થિતિમાં અબુ ધાબી ખાતેના ભવ્યાતિભવ્ય પ્રથમ BAPS હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું હતું. BAPSના સંતો સાથે મોદીએ મૂર્તિઓની પૂજા-અર્ચના કરી હતી તથા અક્ષર પુરુષોત્તમ મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દિવ્ય પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસ સહિતના સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્લીવલેસ જેકેટ સાથે આછા ગુલાબી રંગની સિલ્ક ધોતી અને કુર્તા પહેરીને વડાપ્રધાને મંદિરના લોકાર્પણ સમારોહની ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતી. વડાપ્રધાને “વૈશ્વિક આરતી”માં પણ ભાગ લીધો હતો, જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવેલ વિશ્વભરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 1,200થી વધુ મંદિરોમાં એક સાથે કરવામાં આવી હતી.

મોદી હિંદુ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા અલગ-અલગ ધર્મના લોકોને મળ્યાં હતાં. વડાપ્રધાને મંદિરનું ઉદ્ઘાટન કરતાં પહેલા મંદિરમાં વર્ચ્યુઅલ રીતે ગંગા અને યમુનાના પવિત્ર જળ અર્પણ કર્યાં હતાં.

અબુ ધાબીમાં BAPS મંદિર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વનું કેન્દ્રબિંદુ બની બન્યું છે અને તે વિવિધ વર્ગોના ભક્તોને આકર્ષિત કરે છે. આ ભવ્ય મંદિરના નિર્માણમાં વર્ષોના સમર્પણ અને સખત પરિશ્રમની પરાકાષ્ઠા જોવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
મંદિરમાં વડાપ્રધાન મોદીએ વૈશ્વિક આરતી કરી હતી અને રિબન કાપીને મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પછી વડાપ્રધાન મોદીએ મંદિરમાં ફરીને તેનું નિરીક્ષણ કર્યું હતું.

BAPS દ્વારા બાંધવામાં આવેલ આ મંદિર અલ રહબા નજીક અબુ મરેખાહમાં આવેલું છે. બુધવારે સવારે મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી.
27 એકરમાં ફેલાયેલું અને ₹700 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા BAPS હિન્દુ મંદિરને ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેના ગાઢ સંબંધોના સંકેત તરીકે પણ જોવામાં આવે છે.

અબુ ધામીમાં મંગળવારે એક મેગા ડાયસ્પોરા કાર્યક્રમમાં સંબોધન મોદીએ જણાવ્યું હતું કે યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર આ મંદિરની દરખાસ્ત માટે સંમતી આપી હતી અને તેમણે મને કહ્યું હતું કે ‘કોઈપણ જમીનના ટુકડા પર તમારી આંગળી મૂકો, તમને તે જમીન મંદિર માટે આપીશ. હું અહીં BAPS મંદિરના નિર્માણને ભારત પ્રત્યેના તમારા પ્રેમ અને UAEના ઉજ્જવળ ભવિષ્ય માટેના તમારા વિઝનનું પ્રતિબિંબ માનું છું. તમારા સહયોગ વિના આ શક્ય ન બન્યું હોત.

પ્રેસિડન્ટ અલ નાહ્યાને 2015માં મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી અને ત્રણ વર્ષ પછી વડાપ્રધાન મોદીએ તેનો પાયો નાખ્યો હતો. વધારાની 13.5 એકર જમીન દાનમાં આપ્યા બાદ મંદિરનું નિર્માણ 2019માં શરૂ થયું હતું.

મંદિર સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે મંદિરમાં સાત શિખરો બનાવવામાં આવ્યા છે, જે યુએઈના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે.સાત શિખરોમાં ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પા સહિત દેવતાઓની મૂર્તિઓ છે. સાત શિખરો યુએઈના સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે,” BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે પીટીઆઈને જણાવ્યું હતું.

BAPSના આંતરરાષ્ટ્રીય સંબંધોના વડા પૂજ્ય સ્વામી બ્રહ્મવિહારીદાસે જણાવ્યું હતું કે “સાત શિખરો સાત દેવતાઓને પણ શ્રદ્ધાંજલિ અર્પે છે, જે સંસ્કૃતિઓ અને ધર્મોના પરસ્પર જોડાણનું મહત્ત્વ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા મંદિરો એક, ત્રણ અથવા પાંચ શિખરો હોય છે, પરંતુ સાત શિખરો સાત અમીરાતની એકતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આની સાથે સાત શિખરો સાત દેવતાઓને સમાવે છે… આ મંદિરનું શિલ્પકૃતિ બહુસાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપે છે.

LEAVE A REPLY

eighteen − 1 =