વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બનાસકાંઠાના અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી.. (ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 30 ઓક્ટોબરે બનાસકાંઠા જિલ્લાના અંબાજી શહેરમાં આવેલ દેવી અંબાના પ્રસિદ્ધ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી તથા રૂ.5,950 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

મોદી સવારે વિમાન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતાં અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા અંબાજી નજીકના ગામ ચીખલા ગયા હતાં. વડાપ્રધાનનો કાફલો અંબાજી પહોંચ્યો ત્યારે રસ્તાની બંને બાજુ હજારો લોકો લાઈનમાં ઉભા હતા. સ્થાનિક નેતાઓ અને પૂજારીઓ દ્વારા સ્વાગત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

તેમણે સોમવારે મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં એક જાહેર સમારંભમાં રૂ. 5,950 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વિકાસ કાર્યોમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બે રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન સામેલ છે, જેમાં 77 કિલોમીટર લાંબો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન અને વિરમગામથી સમખીયાળી સુધીની 182 કિલોમીટરની રેલ્વે લાઇનના ડબલ ટ્રેકનો સમાવેશ થાય છે.

વડાપ્રધાન ગુજરાત રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક પ્રોજેક્ટ પણ લોંચ કર્યો હતો. જેનાથી માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ ઝોનમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે.

મોદીના તળાવોના રિચાર્જિંગ અને સાબરમતી નદી પર બેરેજના નિર્માણ તથા મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. અન્ય પ્રોજેક્ટ્સમાં રોડને ચાર-માર્ગીય બનાવવા અને ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ અને ડ્રેનેજ લાઇનનો સમાવેશ થાય છે.

ગુજરાત પ્રવાસના બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે અને સરદાર પટેલની જન્મજયંતિ પર આયોજિત નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીમાં ભાગ લેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના એકતા નગર ખાતેના વિકાસ પ્રોજેક્ટ્સ અને પ્રવાસન આકર્ષણોનું પણ ઉદ્ઘાટન કરશે.

આ પ્રોજેક્ટ્સમાં 30 ઈ-બસ, સાર્વજનિક બાઇક-શેરિંગ પ્રોગ્રામ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સુવિધાયુક્ત સિટી ગેસનું વિતરણ તેમજ એકતા નગરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે પરિવહનને સુવ્યવસ્થિત કરવા માટે ગોલ્ફ કાર્ટનો સમાવેશ થાય છે. મોદી એક્તાનગરમાં પ્રવાસીઓ માટે વિઝિટર્સ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. આ સેન્ટરમાં દુકાનો, ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને વિવિધ આરામ અને મનોરંજન સુવિધાઓનો સમાવેશ થશે. એકતા નગર ખાતે, તેઓ નર્મદા નદીના ડાબા કિનારે ‘કમલમ પાર્ક’ (ડ્રેગન ફ્રૂટની નર્સરી)નું પણ ઉદ્ઘાટન કરશે, જેને ‘કમલમ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

LEAVE A REPLY

thirteen − ten =