(Photo credit - DOMINIC LIPINSKI/AFP via Getty Images)

પ્રિન્સ ચાર્લ્સે તેમના પરણીને ઠરીઠામ થયેલા બે પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી તથા તેમના પરિવારોને ટેકો આપવા માટે ગયા વર્ષે લગભગ £7 મિલીયન આપ્યા હતા. આ રકમ તેમણે એપ્રિલ 2019થી માર્ચ માસના અંત સુધીમાં લોકડાઉન આવ્યું તે સમયગાળા દરમિયાન આપી હતી.

વિલિયમ અને હેરીને ભાગે કેટલી રકમ આપવામાં આવી તેનું વિવરણ કરવામાં આવ્યું નથી. પરંતુ હેરી અને તેની પત્ની મેગન માર્કલને પોતાના ખિસ્સામાંથી અપાતી રકમ બાબતે કેટલાક બ્રિટિશ નાગરીકો ખુશ નથી. ગુસ્સે થયેલ એક નાગરિકે ટ્વીટર પર જણાવ્યું હતું કે “હવે મેગને શાહી પરિવાર છોડી દીધો છે તેથી તેણે પ્રિન્સ ચાર્લ્સને ખરીદી આપેલા ડિઝાઇનર કપડાંની રકમ પરત કરવી જોઈએ.”

પ્રિન્સ ચાર્લ્સની ડચી ઓફ કોર્નવોલ એસ્ટેટ દ્વારા આ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.  મેગન માર્કલ અને પ્રિન્સ હેરીની કેલિફોર્નિયામાં મોન્ટેસીટોના વિશિષ્ટ વિસ્તારમાં આવેલ સાન્ટા બાર્બરા મેન્શન માટે પ્રિન્સ ચાર્લ્સ દ્વારા £8 મિલીયનનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હોવાનો દાવો પણ આ અગાઉ કરવામાં આવ્યો છે. તેમના નવા પડોશીઓમાં ચેટ શો ક્વીન્સ ઓપ્રાહ વિનફ્રે અને એલેન ડીજીનર્સ, એશ્ટન કુચર અને મિલા કુનિસ શામેલ છે. હેરીને તેના પિતા પાસેથી £2 મિલિયન મળવાનું ચાલુ રહેશે. ચાર્લ્સ £100 મિલિયનથી વધુની સંપત્તિ ધરાવે છે.