ઇન્ટરવ્યુના બીજા ભાગમાં પત્ની સાથે જોડાયેલા હેરીએ આરોપ મૂકતા કહ્યું હતું ‘’મારા પિતા પ્રિન્સ ચાર્લ્સ થકી હું ‘ખૂબ જ નિરાશ’ થયો હતો. તેઓ મારા કોલનો જવાબ પણ આપતા ન હતા અને પછી જ્યારે અમે અમેરિકા જતા રહ્યા ત્યારે અમારી સાથેના સંબંધો તોડી નાંખ્યા હતા. આ પાછળનું કારણ મેં બધી બાબતોને મારા હાથમાં લીધી તે હતું. મારા પિતાની ઇચ્છા હતી કે હું મારી બધી યોજનાને તેમની સમક્ષ લેખિતમાં રજૂ કરૂ. મારા પિતા અને ભાઈ બંને ફસાયેલા છે. આનાથી મારી માતા ડાયેના ‘ગુસ્સે અને દુ:ખી’ હશે. તેણી હંમેશાં અમે ખુશ રહીએ તેવું ઇચ્છે છે. હું પણ જાતે ફસાઈ ગયો હતો અને મને કોઈ રસ્તો દેખાતો નહતો. તેમણે આર્થિક રીતે મને કાપી નાખ્યો હતો અને મારે, મારી માતા ડાયેનાના વારસામાં મળતી રકમનો ઉપયોગ કરવો પડતો હતો. મને લાગ્યું કે મારે રાજવી પરિવારને છોડવું જોઇએ’’.

પ્રિન્સ ચાર્લ્સ સાથેના તેના સંબંધ અંગે હેરીએ કહ્યું હતું કે ‘’હું ખરેખર નિરાશ થયો છું અને તેઓ પણ કંઈક આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓ જાણે છે કે પીડા કેવી છે, અને આર્ચી તેમનો પૌત્ર છે. હું હંમેશાં તેમને પ્રેમ કરીશ, પરંતુ મને ઘણું દુ:ખ થયું છે. તે સંબંધને સાજા કરવા માટે હું તેને મારી પ્રાથમિકતા ગણી મારા પ્રયત્નો ચાલુ રાખીશ. હું વિલિયમને પણ ચાહું છું. તે મારો ભાઈ છે. અમે સાથે મળીને નરકમાંથી પસાર થયા છીએ. અમારો સહિયારો અનુભવ છે. પરંતુ અમે વિવિધ માર્ગો પર છીએ.’’