(Photo by Chris Jackson/Getty Images)

બ્રિટનના રાજકુમાર પ્રિન્સ હેરીએ રાજપરિવારનો વરિષ્ઠ સભ્યનો દરજ્જો છોડવાના નિર્ણય બાદ પ્રથમ વખત નિવેદન આપ્યું છે. લંડનમાં તેમના આફ્રીકા સાથે જોડાયેલા ચેરિટી કાર્યક્રમમાં હેરીએ કહ્યું કે તેને શાહી પદવી છોડવાનું ખૂબ જ દુ:ખ છે. જોકે એક શાંતિપૂર્ણ જિંદગી માટે આ સિવાય કોઈ રસ્તો ન હતો. હેરીએ માન્યુ કે તે હમેશાંની જેમ મળનાર ફન્ડિંગ અને વૈભવી લાઈફસ્ટાઈલ છોડવા માંગતા હતા. જોકે શાહી પરિવારની જવાબદારીઓ છોડીને બીજા દેશમાં નવી જિંદગી શરૂ કરવાના મુદ્દે તેમને મૂંઝવણ થઇ હતી.
મહરાણી તરફથી બે દિવસ પહેલા જ જાહેરાત કરવામાં આવી હતી કે પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન શાહી ઉપાધી ઈઝ/હર રોયલ હાઈનેસનો ઉપયોગ કરી શકશે નહિ. આ સિવાય તેમને પબ્લિક ફન્ડ્સમાં પણ હિસ્સો મળશે નહિ. તે કોઈ પણ દેશમાં મહારાણી એલિઝાબેથના પ્રતિનિધિ રહેશે નહિ.
હેરીએ કહ્યું કે તે પહેલેથી પબ્લિક ફન્ડિંગ પર ચાલનાર વૈભવી જિંદગી છોડવા માંગતા હતા, જોકે પોતાને મળેલી સૈન્ય પદવી અને અફઘાનિસ્તાનમાં બ્રિટિશ સૈનિકોની સાથે કામ કર્યા બાદ મળેલા સમર્થનને ગુમાવવાના પગલે તેમને ખૂબ જ દુ:ખ પહોંચ્યું છે. હેરીએ વધુમાં કહ્યું કે આ નિર્ણય લેવા માટે અમને હિમ્મત આપનાર તમામનો હું આભારી છું.
બ્રિટિશ ન્યુઝપેપર ધ ડેલી ટેલીગ્રાફના જણાવ્યા મુજબ પ્રિન્સ ચાર્લ્સ તેમની પ્રાઈવેટ ઈન્કમમાંથી હેરીને આર્થિક મદદ આપવાનું ચાલુ રાખશે. એમ કહેવાઈ રહ્યું છે કે પ્રિન્સ હેરી પહેલેથી જ કરોડો પાઉન્ડ્સના માલિક છે. જ્યારે મેગને પણ હોલીવુડમાં એક્ટિંગ દ્વારા સારી એવી કમાણી કરી છે. મેગન પોતાના હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સને માર્કેટમાં ઉતારી શકે છે. હેરી અને મેગન એક સપ્તાહ પહેલા જ રાજપરિવાર તરફથી મળેલ વરિષ્ઠતાને છોડવાની જાહેરાત કરી ચૂક્યા છે. હેરી અને મેગનને ગુરવારે પોતાની વેબસાઈટ અને ઈન્સ્ટાગ્રામ પર કહ્યું કે તે શાહી પરિવારના વરિષ્ઠ સભ્યના પદ પરથી અલગ થઈ રહ્યાં છે અને આર્થિક રૂપથી આત્મનિર્ભર બનવાની યોજના બનાવી રહ્યાં છે. પ્રિન્સ હેરી અને મેગનના લગ્ન
મે 2018માં થયા હતા. ત્યારે તેમના લગ્નમાં લોકોના 3.2 કરોડ પાઉન્ડ લગભગ(297 કરોડ રૂપિયા) ખર્ચ થયા હતા. આ સિવાય તાજેતરમાં જ બંનેએ વિન્ડસર પેલેસ સ્થિત પોતાના ઘરના રિનોવેશનમાં જ 24 લાખ પાઉન્ડ(લગભગ 22 કરોડ રૂપિયા) ખર્ચયા હતા. શનિવારે બકિંઘમ પેલેસ તરફથી આપવામાં આવેલા નિવેદન મુજબ હેરી-મેગન રિનોવેશમાં ખર્ચ થયેલા પૈસા પરત આપશે.