(Photo by JOEL ROBINE/AFP via Getty Images)

યુકેનાં પ્રિન્સેસ ડાયનાએ પોતાના ભૂતપૂર્વ પ્રેમી, આર્મી ઓફિસર જેમ્સ હ્યુવિટ્ટને લખેલા પ્રેમ પત્રોની અમેરિકામાં હરાજી થવાના અહેવાલો છે. ઉપરાંત આ પ્રેમ પત્રો જાહેર કરાય તેવી પણ શક્યતા છે. યુકેના ‘ધ સન’ અખબારના જણાવ્યા પ્રમાણે 1989 થી 1991 દરમિયાન ડાયનાએ લખેલા 64 પ્રેમ પત્રો એક ધનિકને એક મિલિયન ડોલર સુધીની કિંમતમાં વેચાય તેવી સંભાવના છે. પ્રિન્સેસ ડાયના અને હ્યુવિટ્ટ વચ્ચે પાંચ વર્ષ સુધી પ્રેમ સંબંધ હતો.

આ રીપોર્ટ મુજબ, આ પ્રેમપત્રોમાં ખૂબ જ અંગત લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હોવાથી તે જાહેર કરવામાં આવે તો તે રાજવી પરિવાર માટે ક્ષોભઝનક સ્થિતિ ઉભી થઈ શકે છે. પ્રિન્સેસના પ્રિન્સ ચાર્લ્સ સાથેના લગ્નજીવન છતાં તે બંને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા. એવું મનાય છે કે હ્યુવિટ્ટ અખાતી યુદ્ધમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમની વચ્ચે પ્રેમપત્રોનું આદાન-પ્રદાન થયું હતું.’માય મધર એન્ડ આઇ’ પુસ્તકની લેખિકા, ઇન્ગ્રિડ સ્યુવર્ડે જણાવ્યું હતું કે, “જેમ્સ હ્યુવિટ્ટે અનેક રીતે ડાયના સાથે દગો કર્યો હતો, તેથી આ માત્ર અંતિમ અપમાન છે. હું માનું છું કે હ્યુવિટ્ટને નાણાની સખત જરૂર છે અને તેના માટે આ પત્રો કિંમતી છે.”

1986માં ડાયનાએ યોજેલી લેડી-ઇન-વેઇટિંગ પાર્ટીમાં તેની હ્યુવિટ્ટ સાથે મુલાકાત થઇ હતી. પ્રિન્સેસ ડાયનાએ 1995માં બીબીસી માટે માર્ટિન બશીરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમના સંબંધ અંગે આ માહિતી આપી હતી.

ડાયનાએ 1996માં તત્કાલીન પ્રિન્સ ચાર્લ્સ સાથે છૂટાછેડા લીધા હતા. તે પછીના વર્ષે પેરિસની પોન્ટ ડે લ’અલ્મા ટનલમાં એક કાર અકસ્માતમાં ડાયના, તેના પાર્ટનર ડોડી ફયાદ અને તેમના ડ્રાઇવર હેનરી પૌલનું મોત થયું હતું.

તેનાં અવસાન પછી, હ્યુવિટ્ટ સ્પેન્સર પરિવારના વકીલો સાથે સમાધાનમાં પત્રોને સુરક્ષિત જગ્યાએ રાખવા સંમત થયા હતા. તેણે વચન આપ્યું હતું કે તે ક્યારેય આ પત્રોનું વેચાણ કરશે નહીં, અને તેના મૃત્યુ પછી પત્રોનો નાશ કરાશે.

LEAVE A REPLY

five × 3 =