બ્રિટનના હોમ મિનીસ્ટર પ્રીતિ પટેલ (ફાઇલ ફોટો ) (Photo by MATT DUNHAM/POOL/AFP via Getty Images)

બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલને ટાર્ગેટ કરી સોસિયલ મીડિયામાં અપમાનજનક મેસેજ મુકવાના અને વંશિય તિરસ્કાર ફેલાવવાના આરોપસર ધરપકડ કરાયેલા બે જણાએ મંગળવારે કોર્ટમાં ગુનો કબુલ્યો હતો.

28 વર્ષના જેક હેન્ડર્સને આ વર્ષના જાન્યુઆરીમાં કોરોના મહામારી દરમિયાન પ્રીતિ પટેલનું વંશિય રીતે અપમાન કરતો એક વિડિયો પોસ્ટ કર્યો હતો. સહ આરોપી રોબર્ટ કમિન્સ (26 વર્ષ) સહિત કેટલાંક લોકોએ તે વ્યાપક રીતે ઓનલાઇન શેર કર્યો હતો.

બંને આરોપીએ પબ્લિક કમ્યુનિકેશન નેટવર્ક મારફત વાંધાજનક મેસેજ મોકલવાના તેમની સામેના આરોપ સ્વિકારી લીધા હતા. બંને આરોપી 12 ઓગસ્ટે નોટિંગહામશાયરમાં મેન્સફિલ્ડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે અને તે વખતે તેમને સજા ફરમાવાશે. સજા થાય નહીં ત્યાં સુધી બંને આરોપી જામીન પર રહેશે.

50 સેકન્ડનો વિડિયો કોર્ટમાં રજૂ કરાયો હતો, જેમાં હેન્ડર્સન એવું કહેતા સંભળાય છે કે એક શ્વેત વ્યક્તિ તરીકે હું બીજા રંગના લોકોને સાંભળતો નથી. યુકેની ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (CPS) વતી પ્રોસિક્યુટર ડેનિયલ ચર્ચે જણાવ્યું હતું કે આ વિડિયોનો ઇરાદો વંશિય જૂથોના સભ્યો પ્રત્યે તિરસ્કાર ફેલાવાનો છે.

બંને આરોપીને 29 મે કોર્ટમાં હાજર થવાનું સમન્સ મોકલવામાં આવ્યું હતું અને પબ્લિક કમ્યુનિકેશન્સ નેટવર્ક મારફત વાંધાજનક મેસેજ મોકલવાનો આરોપ મૂકાયો હતો. આ આરોપ હેઠળ જેલની સજા અને પેનલ્ટી અથવા બંને થઈ શકે છે.

આ મહિનાના પ્રારંભમાં CPS ઇસ્ટ મિડલેન્ડના ચીફ ક્રાઉન પ્રોસેક્યુટર જેનિન સ્મિથે જણાવ્યું હતું કે ગૃહ પ્રધાન પ્રીતિ પટેલને ટાર્ગેટ કરતા વિડિયોના સંદર્ભમાં ફરિયાદને પગલે CPSએ આ બંને સામે કાર્યવાહી કરવા નોટિંગહેમ્પશાયરની પોલીસને સત્તા આપી હતી.