ગરવી ગુજરાત સાપ્તાહિકમાં 35 કરતા વધારે વર્ષ સેવા આપનાર રજનીકાંત (રાજ) જીવાભાઇ પટેલનું 27 જૂન 2021 ના ​​રોજ 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ પોતાની પાછળ ધર્મપત્ની મધુકાન્તા, બાળકો સુજાતા, હેતલ અને શૈલેન; ગ્રાન્ડ ચિલ્ડ્રન વેણિકા, અનિસા અને નિયમ; તેમજ વિશ્વભરના અસંખ્ય સંબંધીઓ અને મિત્રોને વિલાપ કરતાં મૂકી ગયા છે.

રાજનો જન્મ 25 જૂન 1944ના રોજ યુગાન્ડાના મ્બાલેમાં થયો હતો. તેઓ 1963માં બહેરાઓ માટેની પેન્સિલવેનિયા સ્કૂલમાં ટાઇપસેટિંગનો અભ્યાસ કરવા અમેરિકા ગયા હતા. સ્કૂલના સક્રિય સભ્ય તરીકે વર્લ્ડ અફેર્સ અને સાયન્સ ક્લબ સહિત અનેક ક્લબમાં ભાગ લીધો હતો. તેમણે કેરેક્ટર સીટીઝનશીપ એન્ડ સર્વિસમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે ફ્રેટર્નલ સોસાયટી ફોર ડેફ એવોર્ડ જીત્યો હતો અને શાળાની કુસ્તીની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

શિક્ષણ પૂરું કરી ભારત જઇ મધુકાન્તાબેન સાથે લગ્ન કર્યા હતા. 1976માં પત્ની અને બે બાળકો સાથે યુકે આવ્યા હતા. તેઓ ડેફ કોમ્યુનિટીમાં સક્રિય હતા અને સમાચાર જોવામાં અને લાંબુ ચાલવાનો આનંદ લેતા હતા. તેમણે વિડિઓ અને મેસેજિંગ દ્વારા તેમના જીવનકાળ દરમિયાન ઘણા લોકોના જીવનને સ્પર્શ કર્યો હતો.

રાજને તેમની ઉદારતા, નિ:સ્વાર્થ સ્વભાવ અને આનંદદાયક વ્યક્તિત્વ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. જન્મથી બહેરા હોવા છતાં, DIYથી લઇને ટુચકાઓ કે રમૂજી રમતથી મિત્રો અને કુટુંબીઓ અને છેલ્લે ખાસ કરીને દરેક પળ અને જીવનનો આનંદ તેમના પૌત્રો સાથે માણતા હતા. નિવૃત્ત થયા પછી તેમણે સાહસિક સિલસિલો વિકસાવ્યો હતો અને યુએસએ, યુગાન્ડા, ટર્કી, ઇજિપ્ત, ઇઝરાઇલ અને ભારત સહિત વિશ્વભરમાં ઘણા સ્થળોનો પત્ની અને પુત્ર શૈલેન સાથે પ્રવાસ કર્યો હતો.

ગરવી ગુજરાતના ગૃપ મેનેજીંગ એડિટર કલ્પેશ સોલંકી અને એક્ઝીક્યુટીવ એડિટર અને શૈલેષ સોલંકીએ રાજ પટેલને શ્રધ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે ‘’રાજ પટેલ ગરવી ગુજરાત અને એએમજી પરિવારના પ્રતિભાશાળી, મૂલ્યવાન અને ખૂબ પ્રિય સભ્ય હતા. 1970ના દાયકાના અંતમાં રાજ ગુજરાતી અને ઇંગ્લિશ હોટ મેટલ ટાઇપસેટિંગ મશીનોનું સંચાલન કરવા ગરવી ગુજરાતમાં જોડાયા હતા. તેઓ એક કુશળ ઑપરેટર હતા, જેમણે અમારી ટાઇટ પ્રિન્ટ ડેડલાઇન્સને પહોંચી વળવા માટે સચોટ અને ઝડપ સાથે કૉપી તૈયાર કરતા હતા. છેલ્લા બે દાયકાઓમાં છાપકામની ટેકનીક ઝડપથી બદલાઈ તેમ રાજ એએમજીના ફીનીશીંગ અને બાઇન્ડીંગ લાઇનોના પ્રિંટર અને ઑપરેટર તરીકે તાલિમબધ્ધ થયા હતા. રાજ હંમેશા તેમના ચહેરા પર સ્મિત ધરાવતા અને નોટ પેપર ઉપર હાથથી જોક લખી ઘણી વાતોમાં મજાક કરતા હતા.

અમે તેમના નિધનથી ઉંડુ દુ:ખ અનુભવીએ છીએ અને તેમણે અમને અને એએમજીના સાથીદારોને તેમના 35 વર્ષના કાર્યકાળ દરમિયાન સાથે કામ કરવાનો આનંદ અને પ્રેમ આપ્યો તે બદલ હંમેશા તેમને યાદ રાખીશું. અમે પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાશ્વત શાંતિ મળે.

સ્વ. રાજ પટેલને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા ક્લિક કરો: https://thankbox.co/app/thankbox/C8ILUrgi