(PTI Photo/Atul Yadav)

કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રવિવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટી કે બહુજન સમાજવાદી પાર્ટી સહિતના કોઇ પણ પક્ષ સાથે ઉત્તરપ્રદેશમાં ગઠબંધન નહીં કરે.

પ્રિયંકા ગાંધીએ સવાલ કર્યો હતો કે કોંગ્રેસને વારંવાર ટાર્ગેટ કરતો ભાજપ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપાને કેમ ટાર્ગેટ નથી કરતો અને મૌન રહે છે. પ્રિયંકાએ બુલંદશહરમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં કહ્યું કે કાર્યકર્તાઓ કહે છે કે કોઇ પણ સંજોગોમાં ગઠબંધન ન કરવું. હું તેમને આશ્વાસન આપવા માગું છું કે કોંગ્રેસ એકલા હાથે ઉત્તરપ્રદેશની બધી જ બેઠકો પર ચૂંટણી લડશે. આ બેઠકમાં પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના 14 જિલ્લાઓમાંથી આવેલા 7 હજારથી વધુ પદાધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.