દેવ ઉઠી એકાદશી સાથે જ સોમવાર, 15 નવેમ્બરથી લગ્નસરાની મોસમનો પ્રારંભ થયો છે. આગામી ૧૪ ડિસેમ્બરે કમૂર્તા બેસશે ત્યાં સુધી લગ્ન માટેના કુલ ૧૩ મુહૂર્ત છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ને પરવાનગી આપવામાં આવી છે. લગ્નસરાની મોસમને પગલે આગામી એક મહિના સુધી અમદાવાદના મોટાભાગના પાર્ટીપ્લોટ, હોલ હાઉસફૂલ થઇ ગયા છે. આ સીઝનને પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ડીજે, હોટેલ સહિતના વિવિધ વ્યવસાયમાં બે વર્ષથી ખોવાયેલી રોનક પરત ફરી છે.

પરંપરાગત રીતે દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્નોનું આયોજન કરવામાં આવતું નથી. આ ચાર મહિનાના સમયગાળાને હિંદુ ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. હિંદુ ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નનું સૌપ્રથમ શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બરના છે.

લગ્ન સમારોહ માટે કોવિડ ગાઇડલાઇન્સમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતા પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ડીજે, હોટેલ સહિતના વિવિધ વ્યવસાયમાં બે વર્ષથી ખોવાયેલી રોનક પરત ફરી છે. પાર્ટી પ્લોટ-બેન્ક્વેટ હોલના માલિકોના મતે કોરોનાના કેસને પગલે જુલાઇ સુધી અમારી પાસે બૂકિંગનું પ્રમાણ ખૂબ જ સાધારણ હતું. પરંતુ ઓગસ્ટ મહિનાથી જ ઈન્ક્વાયરીમાં સતત વધારો થવા લાગ્યો અને હવે સ્થિતિ એ છે કે જાન્યુઆરી સુધીના બૂકિંગ થઇ ગયા છે. રોના કાળમાં ડીજે, બેન્ડવાજાના વ્યવસાયને પણ મોટો ફટકો પડયો હતો. પરંતુ હવે તેમના બૂકિંગ પણ આગામી એક મહિના સુધી પેક થઇ ગયા છે. અમદાવાદની અનેક હોટેલના મોટાભાગના રૃમ પણ આગામી ૧૫ ડિસેમ્બર સુધી બૂક થઇ ગયા છે.