કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડરાના પુત્ર રેહાન વાડરાએ દિલ્હીની રહેવાસી અવિવા બેગ સાથે તાજેતરમાં સગાઈ કરી હોવાનું સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. અવિવાએ દિલ્હીની પ્રતિષ્ઠિત મોર્ડન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીમાંથી મીડિયા કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ડિગ્રી મેળવી હતી. અવિવા એક ફોટોગ્રાફર અને નેશનલ લેવલ ફૂટબોલ ખેલાડી છે.
મીડિયા રિપોર્ટ મુજબ રેહાન અને અવિવા બેગ છેલ્લાં સાત વર્ષથી રિલેશનશીપમાં છે. તાજેતરમાં જ રેહાને અવિવાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, જેનો અવિવાએ સ્વીકાર કર્યો છે. આ સંબંધમાં બંને પરિવારોએ પણ પોતાની સહમતી આપી છે. અવિવા બેગ અને તેમનો પરિવાર લાંબા સમયથી દિલ્હીમાં જ રહે છે.
24 વર્ષીય રેહાન વિઝ્યુઅલ અને ઈન્સ્ટોલેશન આર્ટિસ્ટ તરીકે પોતાની ઓળખ ધરાવે છે. તેમણે ‘ડાર્ક પરસેપ્શન’ નામે પોતાનું સોલો એક્ઝિબિશન પણ યોજ્યું હતું. જોકે તે રાજકીય ગતિવિધિથી દૂર રહે છે. દિલ્હીમાં શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેમણે દેહરાદૂન અને લંડનથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. ગાંધી પરિવારમાં આ હાઇપ્રોફાઇલ લગ્નની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી
પ્રિયંકા ગાંધીએ વાયનાડ પેટાચૂંટણીના સોગંદનામામાં તેમના પતિ રોબર્ટ વાડરાની આર્થિક વિગતો જાહેર કરી હતી, જે મુજબ તેમની કુલ સંપત્તિ આશરે ₹65.54 કરોડ છે. રોબર્ટ વાડરા બિઝનેસમેન છે. તેમની કંપની ‘આર્ટએક્સ એક્સપોર્ટ્સ’ હેન્ડીક્રાફ્ટ આઈટમ્સ અને કસ્ટમ જ્વેલરીનો બિઝનેસ કરે છે. આ ઉપરાંત તેઓ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ બિઝનેસ છે.













