મહારાજાએ આજે તા. 29ના રોજ નવા વર્ષની સન્માન યાદી જાહેર કરી દેશભરના કોમ્યુનિટી ચેમ્પિયનની સિધ્ધીઓની સરાહના કરી છે. ભારતીયો માટે આનંદની વાત એ છે કે આ વખતે ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર – ડેમહુડ માટે અભિનેતા અને હાસ્ય કલાકાર મીરા (ફિરોઝા) સ્યાલને સાહિત્ય, નાટક અને ચેરિટીની સેવાઓ માટે તથા વેલ્સમાં કોમ્યુનિટી કોહેશન અને મેડિકલ જિનેટિક્સની સેવાઓ માટે પ્રોફેસર મીના ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત OBE એવોર્ડ માટે પાવન પોપટ, એનવર સોલોમન અને રૂખસાના કપાસી તથા MBE માટે ઈસા ગુહા, ડૉ. રિતન મહેતા, બોબી સાયગલ, ઋષિ ભુચર,જાદવજી ભૂડિયા, ડૉ. રિતન મેહતા અને રાણકદેવી મહેતા-રાડિયા સહિત અન્યોની પસંદગી કરવામાં આવી છે.
યુકેના દરેક ભાગમાંથી કુલ 1157 અગ્રણીઓને પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ વર્ષે જેમણે પોતાના સમુદાયો માટે શ્રેષ્ઠ પ્રયાસો કરનારા લોકો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ વર્ષે ઉચ્ચ પુરસ્કારોની યાદીમાં વંશીય લઘુમતીનું પ્રતિનિધિત્વ 7%થી બમણું થઈને 14% થઈ ગયું છે.
આ વર્ષે ફોસ્ટર કેરરથી લઈને હેલ્થ વર્કર્સ, લોયોનેસીસથી સઉનમે રેડ રોઝીસથી લઈને કલાના ચેમ્પિયન અને યુવાનોના સમર્થકોનું બહુમાન કરાયું છે. આ વર્ષના એવોર્ડ વિજેતાઓ આપણા દેશને એક સાથે બાંધતા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે – શિષ્ટાચાર, કરુણા અને સામાન્ય ભલાઈમાં વિશ્વાસ કરતા આ લોકો એક એવું બ્રિટન બનાવી રહ્યા છે જેના પર આપણે બધા ગર્વ અનુભવી શકીએ છીએ.
વડા પ્રધાન કેર સ્ટાર્મરે આ પ્રસંગે કહ્યું હતું કે “આ વર્ષના ઓવર્સ લીસ્ટમાં બ્રિટનના શ્રેષ્ઠ લોકોની ઉજવણી કરે છે – જે લોકો સમુદાયોને મજબૂત કરવા અને જીવન બદલવા માટે પોતાના કરતાં સામાન્ય ભલાઈને આગળ રાખે છે. તેમનું શાંત સમર્પણ તે શિષ્ટ, દયાળુ દેશની વાત કરે છે જેનો આપણે ગર્વ અનુભવીએ છીએ. સમગ્ર રાષ્ટ્ર વતી તેમનો આભાર – અને આજે એવોર્ડ મેળવનાર દરેકને અભિનંદન.’’
મીના ઉપાધ્યાય
મૂળ ઉત્તરપ્રદેશના મેરઠ પાસેના મોદીનગરમાં ઉછરેલા તથા વેલ્સમાં કોમ્યુનિટી કોહેશન અને મેડિકલ જિનેટિક્સની સેવાઓ માટે ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર – ડેમહુડ એવોર્ડ મેળવનાર પ્રોફેસર મીના ઉપાધ્યાયે ગરવી ગુજરાતને પોતાનો એક્સક્લુસિવ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ‘’આ એવોર્ડ મેળવીને હું ખૂબ જ નમ્ર અને સન્માનિત છું. આ માન્યતા મારી એકલી નથી; તે મારા પરિવારની; મારા માર્ગદર્શકો અને સાથીદારોની; મારા મિત્રોની; મને સ્વીકારનારા સમુદાયોની; અને આ સફર દરમિયાન મારી સાથે ચાલનારા ચેરિટી કાર્યકરો અને સ્વયંસેવકોની છે.’’
‘’હું ઘણા દાયકાઓ પહેલા 20 કિલોગ્રામની સુટકેસ સાથે મારા પતિ ક્રિષ્ણા સાથે જીવન નિર્માણની આશા સાથે યુકે આવી હતી. મેં ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે એક દિવસ મને આ રીતે ઓળખવામાં આવશે. આ સન્માન મારા માટે ઐતિહાસિક છે કેમ કે મેં હંમેશા પોતાને એક સામાન્ય વ્યક્તિ માની છે. આ સન્માન યુકે આવનાર દરેક ઇમિગ્રન્ટને એક સંદેશ મોકલે છે કે જેઓ હૃદયમાં અનિશ્ચિતતા સાથે પરંતુ આત્મામાં દૃઢ નિશ્ચય અને સ્થિતિસ્થાપકતા સાથે આ દેશમાં પોતાનું મહત્વનું યોગદાન આપશે તેમના સપના અહીં સાકાર થાય છે.’’
પ્રો. ઉપાધ્યાય દિલ્હીમાં પોતાની ડીગ્રી મેળવીને યુકે આવ્યા હતા અને પતિએ આગળ અભ્યાસ કરવા પ્રેરણા અપતા તેમણે માસ્ટર્સ ડીગ્રીની શરૂઆત કરી હતી. પરંતુ 35 વર્ષે પતિ ગુમાવનાર પ્રો. મીનાએ એકલા હાથે દિકરીનો ઉછેર કરવા ઉપરાંત પીએચડીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વેલ્સમાં પોતાના વિભાગમાં એકલા હાથે લેબ ઉભી કરી હતી. કપરા કાળમાં પડી ભાંગેલા પ્રો. મીનાએ પોતાનો અભ્યાસ આગળ રાખવા ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ પાર પાડ્યા હતા. તેમણે વેલ્સ વિસ્તારમાં એથનિક માઇનોરિટીની મહિલાઓ અને એથનિક યુવાનો માટે વિવિધ એવોર્ડની રચના કરી છે અને મેન્ટોરીંગ કરે છે. જ્યારે તેમના દિકરી રચના મેડિસીનની ડીગ્રી અને એમબીએ કર્યા બાદ બેન્કીંગ – ફાઇનાન્સ ક્ષેત્રે સેવા આપે છે.
મીરા સ્યાલ
ડેમહૂડ મેળવનાર પહેલા ભારતીય અભિનેત્રી મીરા સ્યાલે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે ‘’આ સન્માન બદલ મારા માતાપિતા ખૂબ ગર્વ અનુભવશે અને હું તેમની યાદમાં આ વિશાળ સન્માન સ્વીકારું છું. સાચુ કહું તો તે અસાધારણ પેઢીએ એમ્પાયર, ભાગલા અને યુકેમાં મુશ્કેલ ઇમિગ્રેશનમાંથી પસાર થઈને ઘણા બલિદાન આપ્યા હતા જેથી તેમના બાળકો, મારા જેવા લોકો ખીલી શકે અને ઉડાન ભરી શકે. જોકે હું ખૂબ જ દુઃખી છું કે મારા માતાપિતા હવે મારી સાથે આ સન્માનને શેર કરવા માટે અહીં નથી, મને આશા છે કે તેમણે મને જે પ્રોત્સાહન આપ્યું છે તે હું જિજ્ઞાસા, ખંત અને કરુણા સાથે ચાલુ રાખી શકીશ.
પાવન પોપટ
વૃદ્ધ લોકોની સેવા અને કલ્ચર સેન્સેટીવ હાઉસિંગની સેવાઓ માટે OBE મેળવનાર TLC ગ્રુપના CEO પાવન પોપટે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે “હું નવા વર્ષની સન્માન યાદીમાં OBE મેળવવા બદલ ખરેખર આભારી છું. આ સન્માન વ્યક્તિગત સિદ્ધિ નહિં પણ તેના કારણ પર પ્રકાશ પાડવા વિશે વધુ છે. આ માર્ગમાં મને પ્રેરણા આપનારા બધાનો હું આભારી છું: સાથીદારો, આયોજકો, સંભાળ ટીમો અને રહેવાસીઓ જેમણે મારી સફરને આકાર આપ્યો છે; અને મારા માતાપિતા અને મારા ગુરુ, મોરારી બાપુ દ્વારા મારામાં સ્થાપિત મૂલ્યો માટે હું આભારી છું. હું તંદુરસ્ત વૃદ્ધત્વને ટેકો આપતી પ્લેસમેકિંગને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને યોગ્ય સપોર્ટ સિસ્ટમ્સ સાથે પેઢીઓ વચ્ચે જોડાણને ટેકો આપલા, શીખવા અને તેમની સાથે કામ કરવા માટે પ્રતિબદ્ધ છું.”
અગ્રણી બ્રિટિશ હિન્દુ બિઝનેસ લીડર્સમાંના એક, પાવન પોપટને યુકેના સૌ પ્રથમ પર્પઝ-બિલ્ટ એશિયન શાકાહારી કેર હોમ કરુણા મેનોરની સ્થાપના સહિત, ધાર્મિક અને સંસ્કૃતિ-સંવેદનશીલ સંભાળ અને રહેઠાણના અગ્રણી તરીકે ઓળખવામાં આવે છે. પાવને યુકેના વૃદ્ધ લોકોને વિકાસ કેવી રીતે વધુ સારી રીતે પ્રતિભાવ આપી શકે છે તે અંગે વિચારસરણીને આકાર આપવામાં મદદ કરી છે.
ધ્રુવ પટેલ CBE
બ્રિટિશ હિન્દુ સમુદાય અને સામાજિક એકતા માટે CBE એવોર્ડ મેળવી સન્માનિત થયેલા ધ્રુવ પટેલે કહ્યું હતું કે “હું આ સન્માન મેળવીને ખૂબ જ નમ્ર છું અને રાજા અને દેશ પ્રત્યેની ફરજની ઊંડી ભાવના સાથે તેને સ્વીકારું છું. આ માન્યતા મારી એકલાની નથી. હું તેને ફક્ત તે દરેક વ્યક્તિ વતી સ્વીકારું છું જેમને ઘણા વર્ષોથી સેવા આપવા અને યોગદાન આપવાનો લહાવો મળ્યો છે તે મહાન સંસ્થાઓ, સમુદાયો અને કાર્યોથી પ્રભાવિત થયા છે.”
એનવર સોલોમન
OBE સન્માન મેળવનાર રેફ્યુજી કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ એનવર સોલોમને પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે “આ સન્માન રેફ્યુજી કાઉન્સિલના સાથીદારોના કુશળ અને સમર્પિત કાર્યને સાચી શ્રદ્ધાંજલિ છે જે સંઘર્ષો અથવા સતામણી પછી શરણાર્થીઓને તેમના જીવનનું પુનર્નિર્માણ કરવામાં મદદ કરે છે. દરરોજ, અમારા સ્ટાફ અને સ્વયંસેવકો લોકોને અંગ્રેજી શીખવા, નોકરી શોધવા અને બ્રિટિશ જીવનમાં તેમનો ભાગ ભજવવામાં મદદ કરી રહ્યા છે. જેથી તેઓ આપણી સમૃદ્ધિ અને સમાજમાં યોગદાન આપી શકે. બીજા વિશ્વયુદ્ધ પછી અમારી સ્થાપના થઈ ત્યારથી, અમે સમુદાયો સાથે કામ કરી રહ્યા છીએ. મને અતિ ગર્વ છે કે અમે આપણા દેશની શ્રેષ્ઠ પરંપરાઓમાં આ બધા શરણાર્થીઓને કરુણાપૂર્વક ટેકો આપવા માટે સ્થાનિક સમુદાયો સાથે કેવી રીતે કામ કર્યું છે.”
આજે યુવાનોની સેવાઓ માટે ઇદ્રિસ એલ્બાને નાઈટહૂડ, ક્રિસ્ટોફર ડીન અને જેન ક્રિસ્ટેનસન (ટોરવિલ)ને અનુક્રમે નાઈટહૂડ અને ડેમહૂડ એનાયત કરવામાં આવ્યા હતા.
સંગીતકાર મેક્સ રિક્ટરને સંગીતની સેવાઓ માટે CBE તથા વોરીક ડેવિસને નાટક અને ચેરિટીની સેવાઓ માટે OBE એનાયત કરવામાં આવી રહ્યા છે. મહિલા રમતગમતના ક્ષેત્રે શાનદાર સફળતા માટે સરીના વેઇગમેનને માનદ ડેમહૂડ, લીઆ વિલિયમસનને એસોસિએશન ફૂટબોલ ક્ષેત્રની સેવાઓ માટે CBE એનાયત કરવામાં આવી રહ્યો છે. જોન મિશેલ, ઝો એલ્ડક્રોફ્ટ અને માર્લી પેકરને રગ્બી યુનિયન ફૂટબોલમાં તેમની સેવાઓ માટે OBE એનાયત કરાયો છે.
કન્ફેડરેશન બ્રિટિશ ઇન્ડસ્ટ્રી સ્કોટલેન્ડના ડિરેક્ટર મિશેલ ફર્ગ્યુસનને અર્થતંત્રમાં સેવાઓ માટે, MORI ના સ્થાપક અને સીઇઓ અકિન ઓનલને ઉદ્યોગસાહસિકતામાં સેવાઓ માટે, ગેબ્રિએલ લોગનને રમતગમતના પ્રસારણ અને ચેરિટીની સેવાઓ માટે તથા લેખક અને ટેલિવિઝન પ્રેઝન્ટર રિચાર્ડ ઓસ્માનને સાહિત્ય અને પ્રસારણની સેવાઓ માટે OBE એનાયત કરાયો છે.
આપ પણ કોઈ વ્યક્તિને સન્માન માટે નોમિનેટ કરવા માંગતા હો તો વધુ માહિતી માટે જુઓ https://www.gov.uk/honours
00000
કિંગ્સ ઓનર્સ 2025ની રોચક માહિતી
એવોર્ડ મેળવનારા 1157 લોકોમાંથી BEM, MBE અને OBE એવોર્ડ માટે 1,030 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાં BEM માટે 317, MBE માટે 489 અને OBE માટે 224 લોકોને પસંદ કરવામાં આવ્યા છે.
એવોર્ડ મેળવનારા 67% લોકો લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડની બહાર રહે છે. CBE અને તેનાથી ઉપરના સ્તરના એવોર્ડ મેળવનારા 50% લોકો મહિલાઓ છે. 2020 પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં મહિલોને સન્માન મળ્યું છે.
એવોર્ડ મેળવનાર સફળ ઉમેદવારોમાંથી 10% વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિમાંથી આવે છે જ્યારે 5% એવોર્ડ મેળવનારા લોકો એશિયન વંશીય જૂથમાંથી આવે છે. 3% લોકો શ્યામ છે અને મિશ્ર વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોની સંખ્યા 2% છે. જ્યારે 1% એવોર્ડ મેળવનારાઓ અન્ય વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે.
એવોર્ડ મેળવનારા 5% લોકો LGBTQ+ તરીકે ઓળખાય છે. 15% એવોર્ડ મેળવનારાઓ અપંગતા અથવા લાંબા ગાળાની સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા હોવાનું જણાવાયું છે. જ્યારે 36% એવોર્ડ મેળવનારા નીચા સામાજિક-આર્થિક સ્તરમાંથી આવે છે.
- આ વર્ષે સૌથી એવોર્ડ મેળવનાર 102 વર્ષના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન હર્નને જુડો અને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના સમુદાયની સેવાઓ માટે BEM એનાયત કરાયો છે.
- સૌથી નાની વયના 20 વર્ષના પ્રથમ બ્રિટિશ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા સ્પોર્ટ ક્લાઇમ્બર ટોબી રોબર્ટ્સને MBE થી નવાજવામાં આવ્યા છે.
- 2006થી ફોસ્ટર કેરર તરીકે 50થી વધુ બાળકોની સંભાળ રાખનાર પરિણીત યુગલ સુસાન અને ડેવિડ કૂકને ફોસ્ટર કેરની સેવાઓ માટે MBE એનાયત કરાયો છે.













