પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પંજાબના ભાવિ મુખ્યપ્રધાન ભગવંત માન સાથેનો આ ફોટો ટ્વીટ કર્યો હતો. (ANI Photo)

પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ સપાટો બોલાવ્યો છે અને આપના આ વાવાઝોડામાં કોંગ્રેસ અને અકાલી દળના ઘણા દિગ્ગજ નેતાઓની કારમી હાર થઈ છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ અમરિંદર સિંહ પંજાબની પટિયાલા અર્બન સીટ પરથી હારી ગયા છે. આમ આદમી પાર્ટીના અજીતપાલ સિંહ કોહલીએ અમરિંદર સિંહને 13,000 વોટથી હરાવ્યા હતા. તેમણે ચૂંટણી પહેલા કોંગ્રેસ છોડીને નવો પક્ષ બનાવ્યો હતો.

રાજ્યના હાલના મુખ્યપ્રધાન ચરણજિત સિંહ બે બેઠકો પરથી ચૂંટણીમાં ઊભા હતા, પરંતુ બંને બેઠકો હારી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વથી ચૂંટણી હારી ગયા છે. અમૃતસર પૂર્વમાં આમ આદમી પાર્ટીના જીવનજ્યોત કૌરનો વિજય થયો છે. પંજાબમાં પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ ચૂંટણી હારી ગયા છે. આ સિવાય સોનુ સૂદની બહેન માલવિકા સૂદ પણ હારી ગઈ છે.

​​​​​​​પંજાબની જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે, પંજાબના લોકોને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન. પંજાબ કોંગ્રેસ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે.. પંજાબના લોકોના આદેશને નમ્રતાથી સ્વીકારો… આમ આદમી પાર્ટીને અભિનંદન!!!’