ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી. (ANI Photo)

પુષ્કર સિંહ ધામીએ બુધવાર (23 માર્ચે) બીજી વખત ઉત્તરાખંડના 12મા મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) ગુરમીત સિંહે ધામીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સહિતની હાજરીમાં દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. તેમની આઠ પ્રધાનોએ પણ શપથ લીધા છે. જેમાં સતપાલ મહારાજ, પ્રેમચંદ અગ્રવાલ, ગણેશ જોશી, ધન સિંહ રાવત, સુબોધ ઉનિયાલ, રેખા આર્ય, ચંદન રામદાસ, સૌરભ બહુગુણાએ શપથ લીધા હતા.