new president of the Congress
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી (PTI Photo/Kamal Singh)

કોંગ્રેસમાં આંતરિક વિખવાદને શાંત કરવા માટે પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી સક્રિય બન્યા છે. ગુલામ નબી આઝાદને મળ્યાના થોડા દિવસ પછી સોનિયા ગાંધીએ મંગળવારે G-23 તરીકે ઓળખાતા અસંતુષ્ટ ગ્રૂપના વધુ નેતાઓ સાથે બેઠક કરી હતી. સોનિયા ગાંધીએ આનંદ શર્મા અને મનીષ તિવારી સહિતના નેતાઓને પોતાને નિવાસસ્થાને બોલાવ્યા હતા અને પક્ષના આંતરિક વિખવાદનો ઉકેલ લાવવાની ચર્ચાવિચારણા કરી હતી.

આ બેઠકમાં નેતાઓ પાર્ટીને મજબૂત બનાવવા અને ફરી બેઠી કરવાના વિવિધ વિકલ્પો સૂચવ્યા હોવાનું માનવામાં આવે છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી આગામી દિવસે G-23ના વધુ કેટલાંક નેતાઓ સાથે બેઠક યોજી શકે છે.

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કેટલાંક નેતાઓએ કોંગ્રેસના સંગઠન અને નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. આવા નેતાઓ સાથે કોંગ્રેસની નેતાગીરીની શ્રેણીબદ્ધ બેઠકોના ભાગરૂપે મંગળવારે પણ આ બેઠક યોજાઈ હતી.

G-23ના કેટલાંક નેતાઓનો કોંગ્રેસ કાર્યકારી સમિતિ અથવા પાર્લામેન્ટરી બોર્ડ જેવી નવી સમિતિમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. પાર્લામેન્ટરી બોર્ડ જેવી નવી સમિતિ રાજ્યોમાં મુખ્યપ્રધાનના ઉમેદવારોની પસંદગી અને સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે જોડાણ સહિતના તમામ નીતિવિષયક નિર્ણયો માટે જવાબદાર હશે.

કોંગ્રેસના અસંતુષ્ટોનું આ ગ્રૂપ એઆઇસીસીમાંથી રાહુલ ગાંધીના કેટલાંક વફાદારોની હકાલપટ્ટી કરવાની પણ માગણી કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. આ ગ્રૂપનો મુખ્ય ટાર્ગેટ AICCના મહામંત્રી (સંગઠન) કે સી વેણુગોપાલ, મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલા અને મહામંત્રી અજય માકન છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આમાંથી એક કે બે નેતાઓને તેમના હોદ્દા પરથી ખસેડવામાં આવી શકે છે.

G-23ના નેતાઓ કોંગ્રેસના સંગઠનના પુનર્ગઠનની માગણી કરી રહ્યાં છે. તેઓ પક્ષની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમણે પક્ષની નેતાગીરીએ લીધેલા કેટલાંક નિર્ણયોની પણ ટીકા કરી છે.આનંદ શર્મા રાજ્યસભામાં પક્ષના નાયબ વડા છે, જ્યારે મનીષ તિવારી પંજાબમાંથી કોંગ્રેસના સાંસદ છે. ગયા સપ્તાહે સોનિયા ગાંધીએ ગુલામ નબી આઝાદ સાથે બેઠક યોજી હતી. આ પછી 16 માર્ચે G-23 નેતાઓની બેઠક યોજાઈ હતી. તેમાં જણાવાયું હતું કે કોંગ્રેસ માટે ભવિષ્યનો એકમાત્ર માર્ગ સર્વગ્રાહી નેતાગીરીનું મોડલ છે.