રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદિમીર પૂટિને ગુરુવારે જણાવ્યું હતું કે, તેમની નજીકના 12 લોકો કોવિડ-19થી બીમાર થયા હોવાથી તેમણે ‘થોડા દિવસો’ પોતાની રીતે આઇસોલેશન (અલગ) રહેવું પડશે, તેવું ટાસ ન્યૂઝ એન્જસીના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
રશિયાના નેતૃત્વમાં તાજિકિસ્તાનમાં આયોજિત સુરક્ષા સમૂહના શિખર સંમેલનમાં વીડિયો લિંક દ્વારા પૂટિને આ વાત જણાવી હતી, આ સંમેલનની શરૂઆતમાં રૂબરૂ હાજર રહેવાનું તેમનું આયોજન હતું. અગાઉ અસ્પષ્ટ હતું કે આ ફેલાવો કેટલો મોટો હતો અને પૂટિન કેટલા સમય સુધી અલગ રહેશે.
પૂટિને જણાવ્યું હતું કે, ‘આ માત્ર એક કે બે વ્યક્તિની વાત નથી, ડઝનેક લોકો તેમાં સપડાયેલા છે.’ ‘અને હવે મારે થોડા દિવસો માટે આઇસોલેશનમાં રહેવું પડશે.’
68 વર્ષીય પૂટિને રશિયાની સ્પુટનિક વી રસીના બે ડોઝ લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, આ અઠવાડિયે તેઓ હવે વ્યક્તિગત રીતે તેની અસરને ચકાસી રહ્યા છે.
ક્રેમલિનએ જણાવ્યું હતું કે, પૂટિન સ્વસ્થ છે. તેમના પ્રવક્તા, ડિમિત્રી પેસ્કોવે ગુરુવારે જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ આઇસોલેશનમાં ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી રહે તેવી સંભાવના છે. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રેમલિનમાં ગંભીર રીતે કોઈ બીમાર છે તેવી તેમને જાણ નહોતી.
તેમણે કહ્યું કે પૂટિને એ બાબત હજુ નક્કી કરવાની બાકી છે કે તેઓ આવતા મહિનાના અંતમાં રોમમાં યોજાનારા 20 મોટા અર્થતંત્રોના જૂથોના શિખર સંમેલનમાં ભાગ લેશે કે નહીં. પૂટિનના સંપર્કમાં આવનારા લોકોને પીસીઆર ટેસ્ટ અને ક્વોર્ન્ટાઇન થવા માટે કહેવામાં આવ્યું છે.